બીલીમોરા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે ખાસ સામાન્ય સભા યોજાઈ હતી. આગામી અઢી વર્ષ માટે અનુસૂચિત આદિજાતિની કેટેગરીની પ્રમુખપદની બેઠક માટે વોર્ડ નંબર 6ના નગરસેવક મનીષ પટેલની વરણી કરાઈ છે.
મનીષ પટેલ ભાજપ પક્ષમાંથી સૌથી વધુ 1,728 મતો મેળવીને વિજયી બન્યા છે. તેઓ સ્વચ્છ છબી ધરાવતા યુવાન નેતા છે અને ITI સુધીનો અભ્યાસ કર્યો છે. બે ટર્મથી નગરસેવક તરીકે સેવા આપી રહ્યા છે અને સભ્યોનું પીઠબળ પણ ધરાવે છે.
પ્રમુખ તરીકે મનીષ પટેલની સાથે ઉપપ્રમુખ તરીકે તેજલ જોષી, સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે પ્રજ્ઞેશ પટેલ અને શાસક પક્ષ નેતા તરીકે મનીષ નાયકની વરણી કરી છે.
તાજેતરમાં યોજાયેલી બીલીમોરા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 36 પૈકી 29 બેઠકો જીતીને ફરી સત્તા હાંસલ કરી છે. નવસારી જિલ્લા કલેક્ટરે ચીખલી પ્રાંત અધિકારીને આ સભાના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે.