ત્રણ જિલ્લાની 1350 એસટી બસ દ્વારા 67500 મહિલાઓ આ કાર્યક્રમના સભા સ્થળે આવશે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં નવસારીના વાંસી બોરસી ખાતે વિશ્વ મહિલા દિને લખપતિ દીદી સન્માન સમારોહ યોજાવા જઈ રહ્યો છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના નેતૃત્વમાં તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી ચૂક્યો છે.
સભા મંડપમાં વીજ પુરવઠો પુરો પાડવા માટે 12 કિમી લાંબી વીજ લાઈન પણ નાંખવામાં આવી છે. બેકઅપ માટે જનરેટરો પણ ઉપલબ્ધ કરાવાયા છે. કાર્યક્રમ સ્થળે વીજળીનો પુરવઠો નિરંતર મળતો રહે તે માટે વીજ કંપની દ્વારા 12 કિમી લાંબી વીજ લાઈન નાંખવામાં આવી છે. આ સિવાય 24 ટ્રાન્સફોર્મર અને 32 કનેકશન આપવામાં આવ્યા છે. 350 થી 400 જેટલા વીજ પોલ નાંખવામાં આવ્યા છે. વીજ કંપનીના 25 ટેકનિશીયનો અને 10 એન્જિનિયરો દિવસ રાત ખડેપગે ફરજ બજાવી રહ્યા છે.
લખપતિ દીદી સન્માન સમારોહ કાર્યક્રમમાં સહભાગી થનાર 1 લાખ મહિલાઓ માટે 1350 જેટલી એસટી બસની પરિવહનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. એક બસમાં 50 મુસાફરોની કેપેસીટી પ્રમાણે અંદાજે 67500 જેટલી મહિલાઓ સીધો બસનો ઉપયોગ કરશે. સભા સ્થળે આવવા જવા માટે આ સિવાય ખાનગી વાહનો પણ ઉપયોગમાં લેવાશે. વલસાડ એસટી વિભાગીય કચેરીના નિયામક એન.એસ.પટેલે જણાવ્યું કે, 3 જિલ્લામાં 54 એસટી બસ અલગ રાખી છે. જે મુખ્ય રૂટ અને એકસ્ટ્રા રૂટ પર દોડશે. જેથી રોજીંદા મુસાફરોને કોઈ મુશ્કેલી પડશે નહી. આ સિવાય હાલમાં ધો. 10 અને 12 બોર્ડની પરીક્ષા પણ ચાલી રહી છે તેને પણ ધ્યાનમાં લઈ વિદ્યાર્થીઓની પણ એક પણ ટ્રીપને ખલેલ પહોંચાડયા વિના આ બસોનું આયોજન કર્યુ છે. વિદ્યાર્થીઓથી માંડીને રોજીંદા મુસાફરોને કોઈ તકલીફ પડશે નહી. સભા સ્થળે ચાર ડોમ બનાવવામાં આવ્યા છે. આ તમામ ડોમમાં 8 ફૂટ લંબાઈ અને 12 ફૂટ પહોળાઈની 20 એલઈડી લગાવાવમાં આવી છે. જ્યારે સ્ટેજની સમારંત આજુ બાજુમાં મોટા કદની બે એલઈડી લગાવવામાં આવી છે.