દેવોના દેવ મહાદેવના દરેક શિવાલયો પાછળ એક ધાર્મિક અને માર્મિક વાત જોડાયેલી છે ત્યારે….બીજે ક્યાંય જોવા ના મળે તેવુ શિવજીનું દુર્લભ સ્વરૂપ, ઉત્કંઠેશ્વર એટલે ગુજરાતના કાશી વિશ્વનાથ.. ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિરના ગર્ભગૃહમાં વિદ્યમાન શિવલિંગ જમીનની ઉપર નહીં પણ જમીનની અંદર સ્થાપિત છે..
જાબાલિ ઋષિના તપોબળથી પ્રગટ થયેલું ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર ખેડા જિલ્લાના તાલુકા મથક કપડવંજથી ૧૭ કિ.મી, ગાંધીનગર જિલ્લાના દહેગામથી ૨૨ કિ.મી દૂર, અમદાવાદથી ૫૫ કિ.મી. અને નડિયાદથી ૬૦ કિ.મી.ના અંતરે સ્ટેટ હાઈવે પર ત્રણ જિલ્લાઓની ત્રિભેટે વાત્રક નદીના કિનારે આવેલું છે. તેને સૌ ઊંટડિયા મહાદેવના નામથી ઓળખે છે.
પ્રાચીન પુરાતન ઇતિહાસ સંગ્રહી બેઠેલું ઉત્કંઠેશ્વર મહાદેવ પ્રકૃતિની વિરાટ ગોદમાં સ્થિર સમાધિસ્થ થયેલ અને લાખો શ્રદ્ધાળુ શિવભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે.પુરાણકાળમાં કશ્યપગંગાને નામે અને હાલ વાત્રકને નામે ઓળખાતી પવિત્ર નદીના તટમાં બંધાયેલ આ મહાદેવનું શિખરબદ્ધ મંદિર નદીના તટમાં પ્રવેશદ્વાર ધરાવે છે અને ૧૦૮ પગથિયાંવાળું ચૂનાના મોટા પરથાર પર બાંધેલું છે.
લોકવાયકા મુજબ મહામુનિ જાબાલિ ઉત્તર ભારતના કાશીથી આ લિંગ લાવેલા અને જાબાલિ ઋષિની ઉત્કંઠાથી સ્વયં દર્શન આપેલા હોવાથી ઉત્કંઠેશ્વર કહેવાય છે. એક પૌરાણિક કથા અનુસાર મહામુનિ જાબાલિને વેત્રવતીના વેગીલા નીરના નિમંત્રણ મળતાં અહીં તેમણે ઓમકારના ઉચ્ચારો થકી મહાતપ આદર્યું. અને ઋષિની ઉત્કંઠાથી ઉત્પન્ન થયેલા શિવલિંગ ઉત્કંઠેશ્વર મહાદેવ કહેવાયા.
વાત્રકના વહેતાં પાણી વચ્ચે દેવડુંગરી નામે નદીની વચ્ચે એક ડેરી છે. જેને લોકો જાબાલિ ઋષિની સમાધિ તરીકે ઓળખે છે. ત્યાં નાનાં બાળકોના વાળ ઉતરાવીને દર્શન કરે છે. આ સ્થળે હાલમાં પ્રાણનાથ આશ્રમ, ત્રિલોકચંદ મહારાજની સમાધિ, વાનપ્રસ્થાશ્રમ, અન્નપૂણાર્નું મંદિર, લિંબચ માતાનું મંદિર જેવાં વિવિધ પવિત્ર સ્થાનો આવેલાં છે.
કહેવાય છે કે, કોઈપણ ભક્તે ચારધામ અને બાર જ્યોતિર્લિંગની યાત્રા કરી હોય પણ ઉત્કંઠેશ્વર જઈ શિવજીને મસ્તક નમાવી નથી આવતો ત્યાં સુધી તેની યાત્રા અધૂરી ગણાય છે. તેવા ઉત્કંઠાથી ઉત્પન્ન થયેલ શિવજીએ અહીં હજારો વર્ષથી પલાંઠી લગાવી છે. અહીં શિવાલયમાં શિવલિંગ સંપૂર્ણ દ્રષ્યમાન નથી, પરંતુ પાતાળમાં હોય એમ પ્રતીતિ કરાવતું આ શિવલિંગ ભૂર્ગભમાં છે. શિવાલયના પ્રવેશદ્વારે ભૈરવજીની મૂર્તિ છે. તેની સામે ગણપતિજીની અપ્રતિમ પ્રતિમા છે. શિવાલયમાં પાર્વતીજીની પ્રતિમા અલૌકિક છે…….
મંદિર વાત્રક નદીના કાંઠે આવેલું છે અને તે 2000 કરતા પણ વધુ વર્ષ જૂનું હોવાનું કહેવામાં આવે છે. મહાન ઋષિમુનિ કાશીથી આ શિવલિંગને લાવ્યા હતા. ઊંટના પગનાં તળિયાં જેવો દેખાવ હોવાથી તેને ઊંટડિયા મહાદેવ પણ કહેવામાં આવે છે.
ઉત્કંઠેશ્વર મહાદેવનુ મંદિર વાત્રક નદીના કાંઠે દેહગામ અને કપડવંજ હાઇવે પર આવેલું છે. મંદિર પ્રથમ દૃષ્ટિએ જ ભવ્ય વિશાળ અને આકર્ષક લાગે છે. શિવાલયની ઊંચાઈ 80થી 85 ફૂટ જેટલી છે. ખાડાની પાસે એક તરફ પિત્તળના વિશાળ મહાદેવ આગવી છટાથી ઊભા છે. યાત્રાળુઓ, પૂજારીઓ અહીં શિવજીની પૂજા-અભિષેક કરે છે. મંદિરની પાસે નીચે નદી તરફ જવા માટે અંદાજે 13થી 14 જેટલા મોટા પગથાર છે. લગભગ 125 જેટલાં પગથિયાં પાસે એક ઝરણું વહે છે. તે ‘શાલિઝરણ’ના નામે ઓળખાય છે. દર વર્ષે મહાવદી 14ના દિવસે મંદિરે ભવ્ય મેળો ભરાય છે.
સૌથી રસપ્રદ વાત તો એ છે કે ઉત્કંઠેશ્વરના દર્શનથી કાશી વિશ્વનાથના દર્શનનું પુણ્ય પણ પ્રાપ્ત થતું હોવાની માન્યતા છે. કારણ કે, આ ઉત્કંઠેશ્વર જ તો મનાય છે ગુજરાતના કાશી વિશ્વનાથ અહીં શિવલિંગ પર વહાવેલી દૂધની ધારા વારાણસીમાં મણીકર્ણિકા ઘાટ સમીપે બહાર નીકળતી હોવાની કથા પણ પ્રચલિત છે
મંદિરના ગર્ભગૃહમાં એક અદભુત શિવ પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી છે. પરંતુ પ્રભુનું મૂળ શિવલિંગ રૂપ એ પેટાળમાં સ્થિત છે. ખૂબ જ નજીક જઈને નિહાળીયે ત્યારે જ પ્રભુના પૂર્ણ રૂપનો ખ્યાલ આવે છે. સોમવાર, શ્રાવણ માસ અને શિવરાત્રી જેવા અવસરો પર ઉત્કંઠેશ્વર મહાદેવના દિવ્ય રૂપના દર્શનાર્થે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડે છે. કહે છે કે એક ભક્તની તીવ્ર ઉત્કંઠાને વશ થઈ મહાદેવ અહીં પ્રગટ થયા. અને એટલે જ તે ઉત્કંઠેશ્વર નામે પ્રસિદ્ધ થયા.