એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ઓનલાઈન સટ્ટાબાજી એપ કેસમાં મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ રૂ. 573 કરોડથી વધુની સંપત્તિ ફ્રીઝ કરી છે. 16 એપ્રિલના રોજ, EDએ PMLA હેઠળ અમદાવાદ, મુંબઈ દિલ્હી, ઈન્દોર, ચંદીગઢ, ચેન્નાઈ અને સંબલપુર (ઓડિશા) માં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. મહાદેવ બેટિંગ એપ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે કાર્યવાહી કરી હતી. આ દરમિયાન, EDએ 3.29 કરોડ રૂપિયા રોકડ, સિક્યોરિટીઝ, બોન્ડ્સ અને 573 કરોડ રૂપિયાથી વધુની કિંમતના ડીમેટ એકાઉન્ટ્સ જપ્ત કર્યા હતા અને મોટી માત્રામાં ગુનાહિત દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક પુરાવા પણ રિકવર કરવામાં આવ્યા હતા.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સોમવારે જણાવ્યું હતું કે, મહાદેવ એપ, જે હાલમાં આશરે રૂ. 6,000 કરોડના ઓનલાઈન સટ્ટાબાજીના કૌભાંડને આચરવામાં આવ્યું હોવાની તપાસ હેઠળ છે, તે ભારતીય શેરબજારમાં અપરાધની આવકને લોન્ડરિંગ કરી રહી છે જ્યારે કેટલીક લિસ્ટેડ કંપનીઓના પ્રમોટરો શેરબજારમાં હેરાફેરી માટે સ્કેનર હેઠળ છે.
ED, Raipur has conducted searches operations at various premises located in Delhi, Mumbai, Indore, Ahmedabad, Chandigarh, Chennai and Sambalpur (Odisha) under the provisions of PMLA, 2002 on 16.04.2025 in “Mahadev Online Book Betting APP case”. During the search operations, Cash…
— ED (@dir_ed) April 21, 2025
મોટી રકમનું કાળું નાણું
EDની તપાસમાં સામે આવ્યું છે કે, મહાદેવ ઓનલાઈન બુક બેટિંગ એપ એક સિન્ડિકેટ છે, જે ગેરકાયદેસર સટ્ટાબાજી માટે ઓનલાઈન પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ નેટવર્ક દ્વારા મોટી માત્રામાં કાળું નાણું કમાવામાં આવ્યું હતું અને બેનામી બેંક ખાતા દ્વારા દેશ અને વિદેશમાં મોકલવામાં આવ્યું હતું.
વિદેશમાં પૈસા મોકલ્યા
તપાસમાં એવુ પણ બહાર આવ્યું છે કે આ ગેરકાયદેસર નાણાં ભારતની બહાર મોકલવામાં આવ્યા હતા અને મોરેશિયસ અને દુબઈ જેવા દેશોમાંથી “ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (FPIs)” ના નામે ભારતીય શેરબજારમાં પુન: રોકાણ કરવામાં આવ્યું હતું. આ નાણાંનો ઉપયોગ SME ક્ષેત્રની કેટલીક કંપનીઓના શેરના ભાવમાં કૃત્રિમ વધઘટ કરીને સામાન્ય રોકાણકારોને છેતરવા માટે કરવામાં આવ્યો હતો.
સર્ચ દરમિયાન આવા અનેક પ્રમોટરોની ભૂમિકા પણ સામે આવી છે, જેમણે આ ગેરકાયદેસર માધ્યમોથી મેળવેલા નાણાંને પોતાની કંપનીઓમાં શેર વોરંટ, પ્રેફરન્શિયલ ઈશ્યુ કે પ્રમોટર-શેર વેચાણ દ્વારા રોકાણ કરીને કંપનીનું મૂલ્યાંકન વધારવાનો પ્રયાસ કર્યો હતો. આ કામોમાં વચેટિયાઓ અને દલાલોની પણ મોટી ભૂમિકા હતી, જેમને તપાસ એજન્સી દ્વારા સર્ચના દાયરામાં લાવવામાં આવી છે.
170 થી વધુ સ્થળો પર દરોડા
અત્યાર સુધીમાં આ મામલામાં 170 થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે અને 3002.47 કરોડ રૂપિયાની મિલકતો જપ્ત કરવામાં આવી છે અથવા તેને ફ્રીઝ કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે, આ સિવાય 74 સંસ્થાઓને પણ આરોપી બનાવવામાં આવી છે, અને અત્યાર સુધીમાં 5 ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજીની એપ કેસ હવે બહુસ્તરીય આર્થિક કૌભાંડ તરીકે ઉભરી રહ્યો છે, જેમાં શેરબજારમાં મેનીપ્યુલેશન, સટ્ટાબાજી અને મની લોન્ડરીંગના મોટા નેટવર્કનો સમાવેશ થાય છે. ED આ મામલે સતત તપાસ કરી રહી છે.