બનાસકાંઠા જિલ્લામાં વડગામ તાલુકાના ભરકાવાડા ગામે 800 વર્ષ જૂનું પંચમુખી મહાદેવજીનું મંદિર આવેલું છે. સામાન્ય રીતે શિવજીના મંદિરમાં શિવલિંગની પૂજા અર્ચના થતી હોય છે, પણ ભરકાવાડા ગામના આ મંદિરમાં પંચમુખી મહાદેવની સ્વયંભૂ પ્રગટ મૂર્તિની પૂજા અર્ચના કરવામાં આવે છે. 800 વર્ષ પુરાણા આ મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે અને પોતાના મનોવાંચ્છીત ફળ મેળવે છે. દેશભરમાં ભગવાન ભોળેનાથના અનેક મંદિરો આવેલા છે અને તે દરેક મંદિરોમાં ભગવાન ભોળેનાથના શિવલિંગની પૂજા કરવામાં આવતી હોય છે. બનાસકાંઠાના વડગામ તાલુકાના ભરકાવાડા ગામમાં પંચમુખી મહાદેવજીની સ્વયંભૂ પ્રગટ મુર્તિની પૂજા કરવામાં આવે છે. પંચમુખી મહાદેવના અતિ પૌરાણિક મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. 800 વર્ષ પહેલા ભરકાવાડા, મેતા, ચાંગા અને માહી ગામના સીમાડામાં ખોદકામ દરમિયાન પંચમુખી મહાદેવની મૂર્તિ મળી હતી.
વડગામના ભરકાવાડા ગામે પંચમુખી મહાદેવ બિરાજમાન
પંચમુખી મહાદેવજીની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ
ભરકાવાડા ગામના 800 વર્ષ પુરાણા પંચમુખી મહાદેવના મંદિરે નિત્ય ભક્તોની ભારે ભીડ જામે છે આજુબાજુના અનેક ગામોમાંથી પંચમુખી મહાદેવના દર્શન કરવા માટે ભક્તો આવે છે. પંચમુખી મહાદેવના દર્શન માત્રથી દર્શનાર્થીઓના દુઃખ દૂર થાય છે. શ્રાવણ માસમાં હજારો ભાવિક ભક્તો પંચમુખી મહાદેવના મંદિરે આવે છે. મંદિરે મેળો ભરાય છે. શારીરિક કે અન્ય સમસ્યાના સમાધાન માટે ભક્તો પંચમુખી મહાદેવના મંદિરે આવી દર્શન કરી ગોળ ચડાવવાની માનતા રાખે છે અને ભગવાન ભોળેનાથની કૃપાથી ભક્તોના દુઃખ દર્દ દૂર થાય છે. દેશભરમાં ભગવાન ભોળેનાથના દરેક મંદિરમાં ભોળાનાથની શિવલિંગ સ્વરુપે પૂજા કરવામાં આવે છે. જ્યારે ભરકાવાડા ગામના મંદિરમાં સ્વયંભૂ પ્રગટ થયેલી પંચમુખી મહાદેવજીની મુર્તિની પૂજા કરવામાં આવે છે. મહાદેવજી સમક્ષ જે લોકો સાચી શ્રદ્ધાથી પોતાની મનોકામના વ્યક્ત કરે છે તેમની ઈચ્છા અચૂક પરિપૂર્ણ થાય છે. મહાદેવજીના મંદિરની બાજુમાં આગ માતાનું મંદિર આવેલું છે. માતાજીના મંદિરે પણ હજારો ભક્તો દર્શન કરવા માટે આવે છે. અહીંયા પણ જે લોકો પોતાની માનતા વ્યક્ત કરે છે અને તેમને જ્યારે મનોવાંચ્છીત ફળ મળે છે ત્યારે હોળી ધૂળેટીના દિવસમાં નક્કી કરેલા દિવસે પોતે પોતાની માનતાઓ પૂર્ણ કરવા માટે આવે છે અને આ દિવસોમાં મંદિરે ચારથી પાંચ હજાર લોકોની હાજરી હોય છે.
શ્રદ્ધાળુઓ ગોળની માનતા રાખે
પંચમુખી મહાદેવના મંદિરે ગ્રામવાસીઓને ખૂબ જ શ્રદ્ધા છે. ભરકાવાડા ગામના લોકો પશુપાલન સાથે જોડાયેલા છે. જ્યારે પણ તેમના પશુઓને કોઈ તકલીફ હોય ત્યારે ગોળની માનતા રાખે છે. અને માનતા પૂરી કરવા પંચમુખી મહાદેવના મંદિરે આવી મહાદેવજીને ગોળ ચડાવી મહાદેવજીનો આભાર વ્યક્ત કરી પ્રાર્થના કરે છે. ગ્રામવાસીઓ કોઈપણ શુભ પ્રસંગની શરૂઆત પંચમુખી મહાદેવના દર્શન કરીને જ કરે છે. પંચમુખી મહાદેવ મંદિરના વિશાળ પરિસરમાં ભૈરવદાદા અને ચેહર માતાજીના મંદિર આવેલા છે. મંદિરે આવતા ભક્તો પંચમુખી મહાદેવના દર્શન કરી ભૈરવદાદા, આગ માતા અને ચેહર માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. સાંજે મંદિરે કરવામાં આવતી ભવ્ય આરતીમાં મંદિર અને ગામનું વાતાવરણ ભક્તિમય બની જાય છે. મોટી સંખ્યામાં ગામના વડીલો, યુવાનો, મહિલાઓ અને બાળકો આરતીમાં જોડાઈ મહાદેવજીમાં લીન થાય છે ત્યારે જાણે જીવ અને શિવ એક થાય છે. અને આરતી પછી દરેક ભક્તોને પ્રસાદ આપવામાં આવે છે, જેનો લાભ લઈ દરેક ભાવિકો ધન્ય થાય છે.