ગીર સોમનાથના પાવન તીર્થ સોમનાથ નજીક હિરણ નદીના કિનારે શાંત વાતાવરણમાં શીતળા માતાજીનું હજારો વર્ષ જૂનું મંદિર આવેલું છે. વર્ષોથી શ્રદ્ધાના કેન્દ્ર શીતળા માતાજીના આ મંદિરની સ્થાપના આશરે 5000 વર્ષ પહેલાં કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. આ પ્રાચીન મંદિર માત્ર તેની સ્થાપનાના કારણે જ નહીં, પરંતુ તેની સાથે જોડાયેલી પૌરાણિક કથાઓને લીધે પણ વિશેષ મહત્વ ધરાવે છે.
એવી લોકવાયકા છે કે જ્યારે પાંડવો તેમના અજ્ઞાતવાસ દરમિયાન આ પ્રદેશમાં વિચરી રહ્યા હતા, ત્યારે તેમણે આ મંદિરના પરિસરમાં આવેલી એક ગુફામાં આશરો લીધો હતો. કહેવાય છે કે તે સમયે જીવ જંતુઓના કરડવાના કારણે થતી પીડાથી રાહત મેળવવા માટે પાંડવોએ પણ અહીં માતા શીતળાની ભક્તિ ભાવપૂર્વક ઉપાસના કરી હતી. આ કથા આ મંદિરના ઐતિહાસિક અને આધ્યાત્મિક જોડાણને વધુ મજબૂત કરે છે.
હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ ‘વ્રતરાજ’માં શીતળા માતાને વિવિધ ચર્મરોગો જેવા કે ઓરી, અછબડા અને શીળસના નિવારણ માટે પૂજનીય દેવી તરીકે ઓળખવામાં આવે છે. શીતળા માતાને ચામડીના રોગોમાં શીતળતા અને રાહત આપનાર દેવી માનવામાં આવે છે, જેના કારણે ભક્તો પોતાની ત્વચા સંબંધિત સમસ્યાઓના ઉપચાર માટે દૂરદૂરથી અહીં દર્શન કરવા આવે છે.
આ મંદિરમાં શીતળા માતાને વિશિષ્ટ પ્રકારનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. જેમાં બાજરાના શેકેલા લોટ અને ગોળમાંથી બનાવેલી ‘કુલેર’ અને ચોખાના લોટ તથા ખાંડના મિશ્રણથી તૈયાર કરેલા લાડવાનો સમાવેશ થાય છે. આ પરંપરાગત પ્રસાદ ભક્તોમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
મંદિરની પાસે વહેતી હિરણ નદીના એક ભાગને ‘શીતળામાનો આરો’ કહવામાં આવે છે. આ સ્થળની પણ પોતાની એક આગવી કહાની છે. વર્ષો પૂર્વે, જ્યારે ચોમાસામાં હિરણ નદીમાં ભારે પૂર આવ્યું હતું અને સમુદ્રમાં ભરતીના કારણે મંદિરની આસપાસના ગામોમાં પાણી ભરાઈ જવાની ભીતિ રહેતી હતી, ત્યારે શીતળા માતાજીએ દરેક ગામોની રક્ષા કરી હતી એવું માનવામાં આવે છે આ ઘટનાથી સ્થાનિક લોકોની માતાજીમાં શ્રદ્ધા વધુ દૃઢ થઈ હતી અને ત્યારબાદ ગામલોકોએ સાથે મળીને મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.
આજે પણ સોમનાથ નજીક હિરણ નદીના કિનારે બિરાજમાન શીતળા માતાજીના આ પ્રાચીન મંદિરે ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ રહે છે. દૂર દૂરથી શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા અને આશીર્વાદ મેળવવા માટે અહીં આવે છે. આ મંદિર માત્ર એક પૂજાસ્થળ નથી, તે ભૂતકાળની ઘણી પેઢીઓની શ્રદ્ધા અને આસ્થાનું જીવંત પ્રતીક છે.
ગીર સોમનાથના આ પવિત્ર સ્થળે, જ્યાં ઇતિહાસ અને શ્રદ્ધા એકબીજા સાથે જોડાયેલા છે, શીતળા માતાનું આ મંદિર આજે પણ ભક્તો માટે આશાનું કિરણ બનીને ઊભું છે.