રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. તેમાંથી હવે નવસારી પણ બાકી રહ્યું નથી. નવસારીમાં વહેલી સવારે વીજના કડાકા અને ભારે પવનને કારણે વરસાદ વરસ્યો છે. ભારે પવન અને વરસાદને કારણે રાહદારીઓ તથા બાઇક ચાલોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. તો કેટલાક લોકોએ પોતાના વાહનો એક તરફ મુકીને વાવાઝોડા જેવી પરિસ્થિતિને સામાન્ય થાય તેની રાહ જોઈ હતી. વાવાઝોડાને કારણે ઘણી જગ્યાએ વૃક્ષો તથા હોર્ડિંગ પડી જવા પામ્યા હતા. તો લુન્સીકુઈ વિસ્તારમાં આવેલાં ફિલિંગ એપાર્ટમેન્ટ પર વીજળી પડતા લિફ્ટની કેબિનનો બીમનો ભાગ અસરગ્રસ્ત થયો હતો અને તિરાડ પડી હતી. વીજળી પડતા ઈમારતની વીજળી ડૂલ થઇ ગઈ હતી. ઉલ્લેખનીય છેકે, નવસારીમાં આગામી 5 દિવસ માટે હવામાન વિભાગની ભારે પવન અને વરસાદની આગાહી હતી. જે સાચી ઠરી છે. આ
વરસાદ વરસવાને કારણે લોકોને ગરમીથી ઘણી રાહત પણ મળી હતી. જોકે, ખેડૂતોને નુકશાનનો સામનો કરવો પડશે.