વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડા સમયમાં ત્રણ દેશોની મુલાકાત લેવાના છે. પીએમ મોદી 15 જૂનથી 19 જૂન એમ પાંચ દિવસ દરમિયાન સાયપ્રસ, કેનેડા અને ક્રોએશિયાની મુલાકાત લેવાના છે. આજે આ અંગે માહિતી જાહેર કરતા વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે પીએમ મોદીની આ મુલાકાતનો હેતુ મુખ્ય વૈશ્વિક ભાગીદારો સાથે ભારતની દ્વિપક્ષીય અને વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવાનો છે. ભારતીય પ્રધાનમંત્રી પહેલી વાર ક્રોએશિયાની મુલાકાત લેશે
વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પીએમ મોદી પહેલા સાયપ્રસ જશે. આ પછી, તેઓ કેનેડામાં G-7 સમિટમાં ભાગ લેશે અને ત્યારબાદ તેઓ ક્રોએશિયા જશે.વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પીએમ મોદી 15 જૂને સાયપ્રસ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સના આમંત્રણ પર સાયપ્રસની બે દિવસીય મુલાકાત માટે રવાના થશે. છેલ્લા 2 દાયકામાં ભારતીય વડા પ્રધાનની સાયપ્રસની આ પહેલી મુલાકાત હશે. આ દરમિયાન, પીએમ મોદી અને રાષ્ટ્રપતિ નિકોસ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાશે.સાયપ્રસ પછી, પીએમ મોદી 16 અને 17 જૂને કેનેડાના વિદેશ પ્રવાસે જશે.
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીના આમંત્રણ પર પીએમ મોદી G-7 સમિટમાં ભાગ લેશે. પીએમ મોદી સતત છઠ્ઠી વખત G-7 સમિટમાં ભાગ લેશે. આ સમિટમાં ફ્રાન્સ, અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, જર્મની, જાપાન, ઇટાલી અને કેનેડાના વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહેશે. આ સમય દરમિયાન, પીએમ મોદી કેટલાક દેશો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરી શકે છે.કેનેડા પછી, પીએમ મોદી 18 જૂને ક્રોએશિયાની મુલાકાત લેશે.
પીએમ મોદીની આ મુલાકાત ખૂબ જ ઐતિહાસિક રહેશે. પીએમ મોદી ક્રોએશિયાની મુલાકાત લેનારા પહેલા ભારતીય વડાપ્રધાન હશે. પીએમ મોદીની આ મુલાકાત ક્રોએશિયન વડાપ્રધાન આન્દ્રેજ પ્લેનકોવિકના આમંત્રણ બાદ નક્કી કરવામાં આવી છે. આ દરમિયાન પીએમ મોદી ક્રોએશિયન રાષ્ટ્રપતિ જોરાન મિલાનોવિકને પણ મળશે.