ઉત્તર પ્રદેશના બરેલીમાં થયેલી હિંસા પછી જિલ્લા પ્રશાસન અને પોલીસ તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે અને શાંતિ વ્યવસ્થા જાળવવા માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે. અહેવાલો મુજબ, સત્તાવાળાઓએ સાવચેતીના ભાગરૂપે જિલ્લામાં આગામી 48 કલાક માટે ઈન્ટરનેટ સેવાઓ બંધ રાખવાના આદેશ આપ્યા છે, જેથી ખોટી અફવાઓ અને ઉશ્કેરણીજનક સંદેશાઓ ફેલાવીને પરિસ્થિતિ વધુ બગાડવાની કોશિશોને રોકી શકાય. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં આ ઘટનાથી સંબંધિત લગભગ 40 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને લગભગ 2,000 અજ્ઞાત પથ્થરબાજો સામે કેસ દાખલ કરવામાં આવ્યા છે. હિંસક ઘટનામાં સંડોવાયેલા લોકોની ઓળખ માટે શહેરના વિવિધ વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજ, મોબાઈલ વિડિયો અને સ્થાનિક સુત્રોના આધારે તપાસ ચાલી રહી છે.
પોલીસે હિંસા પ્રકરણમાં શહેરના પાંચ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ છ કેસ નોંધ્યા છે. કોતવાલી પોલીસ સ્ટેશનમાં દાખલ કરાયેલા મુખ્ય રમખાણ કેસમાં ઈત્તેહાદ મિલ્લત કાઉન્સિલ (IMC)ના વડા મૌલાના તૌકીર રઝા ખાનનું નામ સીધું આરોપી તરીકે દાખલ કરાયું છે. બારાદરી પોલીસ સ્ટેશનમાં મૌલાના તૌકીર રઝાના સમર્થકો સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે, જેમાં કૈફ એન્ક્લેવ વિસ્તારના મેરેજ હોલ સંચાલક ફરહત અને તેના પુત્રનો સમાવેશ થાય છે. આ બંને પર ગુરુવાર રાત્રે મૌલાનાને પોતાના ઘરમાં આશ્રય આપવાનો આરોપ છે. પોલીસે મૌલાના તૌકીર રઝા સહિત આઠ આરોપીઓને કસ્ટડીમાં લઇને જેલમાં મોકલી દીધા છે અને તેમની પુછપરછ માટે વિશેષ ટીમો બનાવી છે.
ઘટનાક્રમ મુજબ, ‘આઈ લવ મોહમ્મદ’ અભિયાનના સમર્થનમાં મૌલાના તૌકીર રઝાએ બરેલીમાં મોટી સભા બોલાવી હતી. મૌલાના કાર્યક્રમ સ્થળે હાજર ન રહેવાથી ભીડમાં અસંતોષ ફેલાયો અને પરિસ્થિતિ ધીમે ધીમે બેકાબૂ બની ગઈ. ગુસ્સે ભરાયેલી ભીડે ખલીલ સ્કૂલ ચોકડી પાસે દુકાનો અને વાહનોમાં તોડફોડ કરી. નવલતી ચોકડી વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો, જ્યારે શ્યામગંજ વિસ્તારમાં ગોળીબારની પણ ઘટના બની. પોલીસને ભીડને કાબુમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડવા અને લાઠીચાર્જ કરવાની ફરજ પડી. લગભગ ત્રણ કલાક સુધી ચાલેલી આ અશાંતિ બાદ સાંજે 5 વાગ્યાના આસપાસ પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવામાં આવ્યું.
જિલ્લા પ્રશાસન દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે અને અતિસંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનથી પણ નજર રાખવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે કોઈ પણ નિર્દોષને પરેશાન ન કરવામાં આવે, પરંતુ હિંસામાં સીધા અથવા પરોક્ષ રીતે સામેલ દરેક વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel