સેવન્થ ડે સ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી ગઈ છે. અગાઉ વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ હવે ધોરણ 7ના એક વિદ્યાર્થી પર ત્રણ વિદ્યાર્થીઓ દ્વારા મળીને હુમલો કરવામાં આવ્યો હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. ઘટનાને લઈને પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે અને અમરાઈવાડીના પીઆઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સાથે જ શાળા તંત્રની બેદરકારી અંગે પ્રશ્નો ઉઠતા જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા પ્રિન્સિપાલ અને એડમિન હેડને નોટિસ ફટકારીને સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું છે કે તેમને નોકરીમાંથી કેમ દૂર ન કરવામાં આવે.
પોલીસ ફરિયાદ મુજબ, સ્કૂલ છૂટ્યા બાદ વિદ્યાર્થીઓને લાઈનબદ્ધ રીતે બહાર નીકળવા માટે ક્લાસ મોનિટર કાર્તિક (નામ બદલેલ છે) સૂચના આપી રહ્યો હતો. તે દરમિયાન ત્રણ વિદ્યાર્થીઓ લાઈનમાં ન ચાલતા હોવાથી મોનિટરે તેમને નિયમ મુજબ લાઈનમાં આવવા અથવા સાઈડમાં ઊભા રહેવા કહ્યું હતું. આ વાતથી નારાજ થઈ ત્રણેય વિદ્યાર્થીઓએ મોનિટર સાથે ઝઘડો કર્યો અને તેને ધમકાવ્યું. ત્યારબાદ સ્કૂલની બહાર સાયકલ પાર્કિંગ નજીક તેઓએ મોનિટરને “કાલે જોઈ લઈશું” કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
બીજા દિવસે આશરે સવારે 11 વાગ્યે મોનિટર ક્લાસરૂમમાંથી વોશરૂમ તરફ જતો હતો ત્યારે ત્રણેય વિદ્યાર્થીઓ તેની પાછળ ગયા. ત્યાં તેમણે તેની કોલર પકડીને પૂછ્યું કે તેમને લાઈનમાંથી બહાર કેમ કર્યા. આ દરમિયાન એક વિદ્યાર્થીએ હાથમાં રહેલી બ્લેડથી મોનિટરના શર્ટના બટન તોડી નાખ્યા અને ફરી જાનથી મારી નાખવાની ધમકી આપી, બાદમાં તેના પર મારામારી શરૂ કરી હતી.
મળતી માહિતી મુજબ પીડિત વિદ્યાર્થી ક્લાસ મોનિટર છે અને શિસ્ત જાળવવા માટે આપેલી સૂચના બદલ તેની સાથે આ હુમલો કરવામાં આવ્યો હતો. સેવન્થ ડે સ્કૂલ હાલ સરકાર હસ્તક હોવા છતાં શાળા પરિસરમાં આવી હિંસક ઘટના બનતા વિદ્યાર્થીઓની સુરક્ષા અને તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સરકાર દ્વારા શાળાઓમાં ભયમુક્ત વાતાવરણ અને શિસ્ત અંગે દાવા કરવામાં આવે છે, ત્યારે ધોરણ 7ના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી આ ઘટના વાલીઓમાં ચિંતા ફેલાવતી જોવા મળી રહી છે. હવે શાળા તંત્ર અને શિક્ષણ વિભાગ આ મામલે કયા કડક પગલાં લે છે તે પર સૌની નજર છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel