અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં વિશ્વાસના સંબંધને કલંકિત કરતી શરમજનક ઘટના સામે આવી છે. અહીં 65 વર્ષીય વૃદ્ધે નવ વર્ષની માસૂમ બાળકી સાથે શારીરિક અડપલાં કર્યા હોવાનો મામલો સામે આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ નિકોલ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી વૃદ્ધની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, ભોગ બનનાર બાળકીની માતા નિકોલ વિસ્તારમાં આવેલી એક દુકાનમાં કામ કરે છે. આરોપી વૃદ્ધ પણ એ જ દુકાનમાં કામ કરતો હોવાથી પરિવારનો તેના પર વિશ્વાસ હતો.
ઘટનાના દિવસે બાળકીની માતા દુકાનદાર સાથે કામથી બહાર ગઈ હતી, ત્યારે બાળકી દુકાનમાં એકલી હતી. આ દરમિયાન આરોપી વૃદ્ધે બાળકીની એકલતાનો લાભ લઈ તેની સાથે અડપલાં કર્યા હતા.
આ દરમિયાન દુકાનદારે મોબાઇલ ફોન દ્વારા સીસીટીવી ચેક કરતા આરોપી વૃદ્ધ બાળકી સાથે અયોગ્ય વર્તન કરતો જોવા મળ્યો હતો. ત્યારબાદ દુકાનમાં કામ કરતા અન્ય લોકોને જાણ કરીને બાળકીનો બચાવ કરવામાં આવ્યો હતો.
પોલીસ કાર્યવાહી
બાળકીની માતાએ તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને નિકોલ પોલીસે ઝડપી તપાસ હાથ ધરી અને 65 વર્ષીય આરોપીની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel