નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંગે શુક્રવારે રાજપીપલા સ્થિત સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને હોસ્પિટલમાં દર્દીઓને અપાતી આરોગ્ય સેવાઓ અને વિવિધ સુવિધાઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી.
મુલાકાત દરમિયાન કલેક્ટરએ હોસ્પિટલના સર્જરી રૂમ, ફીમેલ સર્જિકલ વોર્ડ, ફીમેલ મેડિકલ વોર્ડ, એસ.એન.સી.યુ., ઓપરેશન થિયેટર, એ.આર.ટી. સેન્ટર, પાર્કિંગ વિસ્તાર તેમજ પાણીની વ્યવસ્થા સહિતના વિવિધ વિભાગોની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
તેમણે હોસ્પિટલમાં ઉપલબ્ધ ટેબ્લેટ અને ઇન્જેક્શન ટ્રોલી, દવાઓનો સ્ટોક, ઓપીડી સમયસર ચાલે છે કે નહીં તેમજ હોસ્પિટલની અંદર અને બહારની સ્વચ્છતા અંગે પણ માહિતી મેળવી હતી. વિવિધ વિભાગોના રજિસ્ટરોની ચકાસણી કરીને સ્ટાફની કામગીરી અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી.
કલેક્ટરએ ઓક્સિજન પ્લાન્ટ, એ.સી., પાર્કિંગ સુવિધા, વોલ પેન્ટિંગ સહિતની ઉપલબ્ધ સુવિધાઓનું મૂલ્યાંકન કરીને જ્યાં જરૂરી હોય ત્યાં વધુ સુધારા કરવા સૂચનાઓ આપી હતી. સાથે જ હોસ્પિટલમાં જે સુવિધાઓનો અભાવ છે તેનું વિશ્લેષણ કરીને જરૂરી આયોજન કરવા અધિકારીઓને જણાવ્યું હતું.
આ ઉપરાંત હાઈ રિસ્ક ગર્ભવતી મહિલાઓની વિગતો, પીવાના પાણીની સુવિધા તેમજ દર્દીઓ માટે બેસવાની વ્યવસ્થા અંગે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કલેક્ટરએ હોસ્પિટલના તમામ સ્ટાફને દર્દીઓ પ્રત્યે સંવેદનશીલતા દાખવવા સૂચના આપતાં જણાવ્યું હતું કે, કોઈપણ દર્દીને સારવાર વિના પરત મોકલવામાં ન આવે અને દરેક દર્દીને સમયસર યોગ્ય સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવે.
આ મુલાકાત દરમિયાન નાંદોદ પ્રાંત અધિકારી સુ પરસનજીત કૌર, મેડિકલ સુપ્રિટેન્ડન્ટ તથા સિવિલ હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel