નર્મદા જિલ્લાના સરહદી અને આદિવાસી બહુલ વિસ્તાર ધરાવતા દેડિયાપાડા અને સાગબારા તાલુકાના ગ્રામજનો માટે સરકારી આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ, ગુણવત્તાસભર અને આધુનિક બનાવવાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત દેડિયાપાડા તાલુકાના પીપલોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સાગબારા તાલુકાના પાટલામહુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે અત્યાધુનિક LDR COMPLEX – પ્રસૂતિ ગૃહના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે.
સામાન્ય રીતે આ વિસ્તારના ગ્રામીણ અને ડુંગરાળ અંતરિયાળ ગામોમાંથી સગર્ભા બહેનોને સુવિધાના અભાવે અથવા જટિલ કેસોમાં છેક સબ-ડિસ્ટ્રિકટ હોસ્પિટલ કે સિવિલ હોસ્પિટલ સુધી લાંબા થવું પડતું હતું. જેના કારણે સમય અને નાણાંનો વ્યય થતો અને કટોકટીની પળોમાં જોખમ પણ વધી જતું હતું. પરંતુ હવે પીપલોદ અને પાટલામહુ ખાતે જ સુસજ્જ LDR કોમ્પ્લેક્સનું નિર્માણ થતાં મહિલાઓને તેમના ઘરની નજીક જ એક જ છત નીચે પ્રસૂતિની પીડા, સુરક્ષિત પ્રસૂતિ, પ્રસૂતિ બાદનો આરામ અને સંભાળ માટેની તમામ આધુનિક સગવડો સ્થાનિક સ્તરે જ ઉપલબ્ધ બનશે.
આ સુવિધા કાર્યરત થવાથી બંને PHC અંતર્ગત આવતા તમામ અંતરિયાળ ગામડાઓની સગર્ભા તથા ખાસ કરીને હાઈ-રિસ્ક (જોખમી) સગર્ભા મહિલાઓને સીધો મોટો લાભ પ્રાપ્ત થશે. લોહીની ઉણપ (એનિમિયા), ઊંચું બ્લડ પ્રેશર કે અન્ય શારીરિક તકલીફ ધરાવતી હાઈ-રિસ્ક સગર્ભા માતાઓની સમયસર તપાસ અને સુરક્ષિત ડિલિવરી માટે આ કેન્દ્રોમાં આધુનિક સગવડો મળી રહેશે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, નર્મદાની અખબાર યાદીમાં જણાવ્યું છે.
શૈશવ રાવ નર્મદા
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel