વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે ભાજપા નર્મદા જિલ્લા અધ્યક્ષ નીલકુમાર રાવના માર્ગદર્શન હેઠળ નાંદોદ તાલુકાના વડીયા ગામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળું ગુજરાત નિર્માણનો સંદેશ આપવામાં આવ્યો હતો.
વડીયા ગામની રોયલ સનસિટી સોસાયટી ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન નીલકુમાર રાવે વૃક્ષારોપણ કરીને નાગરિકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા તેમજ તેના યોગ્ય જતનનો સંકલ્પ લેવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પર્યાવરણનું રક્ષણ માત્ર સરકાર કે કોઈ એક વ્યક્તિની જવાબદારી નથી, પરંતુ સમગ્ર સમાજની સામૂહિક ફરજ છે.
આ પ્રસંગે “વૃક્ષ વાવો – પાણી બચાવો – પ્લાસ્ટિક હટાવો”ના સૂત્ર સાથે પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. વધતા પ્રદૂષણ, ઘટતા જંગલો અને પાણીના સ્ત્રોતો પર વધતા દબાણને ધ્યાનમાં રાખીને દરેક વ્યક્તિએ પર્યાવરણ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવી જરૂરી હોવાનું જણાવાયું હતું.
રાવે જણાવ્યું હતું કે આવનારી પેઢીઓને સ્વચ્છ, સુંદર અને હરિયાળું પર્યાવરણની વિરાસત આપવી એ આપણી સૌની જવાબદારી છે. માત્ર વૃક્ષારોપણ જ નહીં પરંતુ પ્રાકૃતિક સૌંદર્યની જાળવણી, સંરક્ષણ અને સંવર્ધન દ્વારા જીવનને વધુ સુરક્ષિત અને સમૃદ્ધ બનાવી શકાય છે. આ માટે ઉપસ્થિત ગ્રામજનો સાથે પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં નાંદોદ મંડલ સંગઠનના હોદ્દેદારો, જિલ્લા યુવા મોરચા અને મહિલા મોરચાના હોદ્દેદારો, વડીયા-આમલેથા-ભદામ જિલ્લા પંચાયતના સભ્યો, વડીયા તથા માંગરોળ તાલુકા પંચાયતના સભ્યો, વડીયા સરપંચશ્રી, ગ્રામજનો અને સોસાયટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
શૈશવ રાવ નર્મદા
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel