પાટણ શહેરમાં અસામાજિક તત્વો સામે પોલીસ અને તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના બુકડી વિસ્તારમાં ખૂન, ખૂનની કોશિશ અને લૂંટ સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપી ઝહીર ઉર્ફે ખોખરાના ગેરકાયદેસર બાંધકામો પર આજે બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરાયેલી આ કાર્યવાહીને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
માહિતી મુજબ, બુકડી વિસ્તારમાં વર્ષ 2018થી ઝહીર ઉર્ફે ખોખરાએ ગેરકાયદેસર રીતે દબાણ કરી રહેણાંક મકાનો તેમજ દુકાનોનું બાંધકામ કર્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઝહીર સામે ખૂન, ખૂનની કોશિશ, લૂંટ સહિતના આશરે 10 જેટલા ગુનાઓ નોંધાયેલા છે અને હાલમાં તે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
પાટણ પોલીસે સ્થાનિક તંત્રના સહયોગથી ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન પાંચ ગેરકાયદેસર દુકાનો અને સાત રહેણાંક મકાનો પર બુલડોઝર ચલાવી દબાણ દૂર કરવામાં આવ્યું હતું. કાર્યવાહી પહેલાં મકાનોમાં રહેતા લોકોનો સામાન બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ બે જેસીબી મશીનોની મદદથી દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી.
કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓની હાજરીમાં સમગ્ર કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી.
પોલીસના જણાવ્યા મુજબ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે આવી કાર્યવાહી આગામી સમયમાં પણ ચાલુ રાખવામાં આવશે.
ભરત પંચાલ (પાટણ)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel