અમદાવાદ શહેરમાં ઝડપથી વધી રહેલી વસ્તી અને સતત વિસ્તરી રહેલી શહેરી હદને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આગામી 30 વર્ષ માટે ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ નેટવર્કનો વ્યાપક માસ્ટર પ્લાન તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. વર્ષ 2057 સુધીની સંભવિત જરૂરિયાતોને આવરી લેતા આ માસ્ટર પ્લાન માટે IIT ગાંધીનગર સહિતની નામાંકિત સંસ્થાઓને કામગીરી સોંપવામાં આવશે. આ સંસ્થાઓને કન્સલ્ટન્સી અને પ્લાન તૈયાર કરવાની ફી તરીકે કુલ રૂ. 8 કરોડ ચૂકવવાની દરખાસ્ત કરવામાં આવી છે.
અમદાવાદની વસ્તી એક કરોડ નજીક પહોંચવાનો અંદાજ
અમદાવાદ શહેરની વસ્તીનો અંદાજિત આંકડો આગામી વર્ષોમાં એક કરોડની નજીક પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. શહેરમાં વસ્તી અને બાંધકામ ક્ષેત્રે ઝડપથી વધારો થઈ રહ્યો છે. હાલ અમદાવાદ શહેરનો સત્તાવાર વિસ્તાર 480 ચોરસ કિલોમીટરથી વધુ છે. જોકે શહેરની બહાર આવેલા શેલા, શીલજ, અડાલજ, બારેજા અને ચાંગોદર સહિતના વિસ્તારોમાં પણ લાખો લોકો વસવાટ કરી રહ્યા છે.
આગામી એકથી દોઢ દાયકામાં આ વિસ્તારો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સામેલ થવાની શક્યતા છે. પરિણામે શહેરના ડ્રેનેજ, વરસાદી પાણીના નિકાલ અને ગંદા પાણીના સંચાલન પર વધારાનું દબાણ ઊભું થઈ શકે છે.
વર્ષ 2057 સુધીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આયોજન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર થનારા માસ્ટર પ્લાનમાં આગામી 30 વર્ષ દરમિયાન શહેરની વસ્તીમાં થનારો વધારો, રહેણાક અને ઔદ્યોગિક વિકાસ, વેસ્ટ વોટરનું વધતું પ્રમાણ અને વરસાદી પાણીના નિકાલની જરૂરિયાતોનો અભ્યાસ કરવામાં આવશે.
માસ્ટર પ્લાન અંતર્ગત શહેરની હાલની ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર લાઈનોની ક્ષમતા તથા કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવશે. કયા વિસ્તારોમાં લાઈનો જૂની અથવા ઓછી ક્ષમતાવાળી છે, ક્યાં નવા નેટવર્કની જરૂર છે અને ભવિષ્યમાં કયા વિસ્તારોમાં વધુ દબાણ ઊભું થઈ શકે છે તેની વિગતવાર સમીક્ષા કરાશે.
GIS આધારિત સંકલિત ડેટાબેઝ તૈયાર થશે
મ્યુનિસિપલ કોર્પોરેશનના હાલના ડ્રેનેજ માળખાનું ટેકનિકલ મૂલ્યાંકન કરીને GIS આધારિત સંકલિત ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે. આ ડેટાબેઝમાં શહેરની ડ્રેનેજ લાઈનો, મેનહોલ, પમ્પિંગ સ્ટેશન, ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સ્ટોર્મ વોટર લાઈનો અને પાણી ભરાતા વિસ્તારોની માહિતીનો સમાવેશ કરવામાં આવશે.
GIS આધારિત સિસ્ટમથી કયા વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યા છે, કઈ લાઈનની ક્ષમતા વધારવાની જરૂર છે અને વરસાદ દરમિયાન કયા સ્થળે પાણી ભરાવાની શક્યતા વધારે છે તેની ચોક્કસ માહિતી મેળવી શકાશે.
ફ્લડિંગ હોટસ્પોટ્સનો પણ થશે અભ્યાસ
અમદાવાદમાં ભારે વરસાદ દરમિયાન અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. માસ્ટર પ્લાનમાં શહેરના ફ્લડિંગ હોટસ્પોટ્સ એટલે કે વારંવાર વરસાદી પાણી ભરાતા સ્થળોની ઓળખ કરવામાં આવશે.
આ વિસ્તારોમાં પાણી ભરાવાના કારણો, કુદરતી પાણીના વહેણમાં આવેલા અવરોધો, સ્ટોર્મ વોટર લાઈનની ક્ષમતા અને પમ્પિંગ વ્યવસ્થાનો અભ્યાસ કરીને લાંબા ગાળાના ઉકેલો સૂચવવામાં આવશે. નવા સ્ટોર્મ વોટર નેટવર્ક, વધારાના પમ્પિંગ સ્ટેશન અને વરસાદી પાણીના સંગ્રહ જેવી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટ્રેટેજી પણ તૈયાર કરવામાં આવશે.
IIT ગાંધીનગર સહિતની સંસ્થાઓને સોંપાશે કામગીરી
માસ્ટર પ્લાન તૈયાર કરવાની કામગીરી IIT ગાંધીનગર સહિતની ટેકનિકલ અને નામાંકિત સંસ્થાઓને સોંપવાની તૈયારી કરવામાં આવી છે. આ કામગીરી માટે કુલ રૂ. 8 કરોડની ફી ચૂકવવાની દરખાસ્ત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિ સમક્ષ મૂકવામાં આવી છે.
માસ્ટર પ્લાન તૈયાર થયા બાદ અમદાવાદના હાલના અને ભવિષ્યના વિસ્તારોમાં ડ્રેનેજ તથા વરસાદી પાણીના નિકાલનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં મદદ મળશે. સાથે જ શહેરમાં ચોમાસા દરમિયાન સર્જાતી પાણી ભરાવાની સમસ્યા ઘટાડવા અને ભવિષ્યના શહેરી વિકાસ માટે મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાનો માર્ગ મોકળો બનશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel