જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જમીન ક્ષેત્રફળ વિસંગતતા, ગેરકાયદેસર દબાણ, નકશા માપણી, જમીન ફાળવણી સહિતના મુદ્દા ઉપર કુલ પાંચ પ્રશ્નોની રજૂઆત સાંભળી પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો હતો.
અરજદારોના પ્રશ્નોની રજૂઆતના સંદર્ભે કલેક્ટરએ સંબંધિત વિભાગના અધિકારીઓને સ્થળ તપાસ કરી ઊંડાણપૂર્વક પ્રશ્નની સમજ કેળવવા અને નિયમ અનુસાર કામગીરી કરી સત્વરે જે તે અરજદારની સમસ્યાઓનો ઉકેલ લાવવા જણાવ્યુ હતુ. બેઠક અંતર્ગત જિલ્લા સ્વાગત કાર્યક્રમના અગાઉના ગેરકાયદેસર દબાણ, અનઅધિકૃત બાંધકામ, જમીન સંપાદનના વળતર હુકમ સહિતના પ્રશ્નો બાબતે પણ સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરએ ખાસ કરીને ગૌચરની જમીનો ઉપરના ગેરકાયદેસરના દબાણો દૂર કરવા તથા જમીન સંપાદનના વળતર અંગેના પ્રશ્નોનો તાકીદે નિકાલ લાવવા સૂચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી.વસાવા, નિવાસી અધિક કલેકટર ભરત જોષી, આસી. કલેકટર અંચુ વિલ્સન, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક બાજપાઈ, સંબંધિત વિભાગના અધિકારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.