જિલ્લા આયોજન મંડળના અધ્યક્ષ અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી કોન્ફરન્સ હોલ ખાતે આજરોજ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ હતી. જેમાં મંત્રીએ તમામ અધિકારીઓને સ્થળ નિરીક્ષણ સાથે વિકાસ કામો ગુણવત્તા સભર થાય એવું સૂચન કર્યું હતું. આ સાથે વર્ષ ૨૦૨૫-૨૬ના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લાની નગરપાલિકાઓના પાણી , રોડ, રસ્તા, વીજળી, ગટર લાઇનના વિકાસ કામો, સમાજિક અને શૈક્ષણિક પછાત વર્ગની જોગવાઈઓને આધીન કામો તેમજ બચત રકમમાંથી મંજૂર થયેલા કામોને મંજૂરી આપવામાં આવી હતી. શંખેશ્વર, ચાણસ્મા, હારીજ, રાધનપુર અને સમી વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાઓ અંગે ધારાસભ્યઓ દ્વારા મળેલી રજૂઆતનું ઝડપી નિરાકરણ માટે સંબધિત વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ સરકાર દ્વારા ચલાવવામાં આવતા વિવિધ અભિયાનની સ્થિતિ, ગામડાઓમાં લાયબ્રેરી છે કે નહિ, છે તો તેની સ્થિતિ, ઇ – લાયબ્રેરીનો ઉપયોગ થઈ શકે એમ છે કે કેમ?, વરસાદી પાણીના નિકાલ ની સ્થિતિ, કેચ ધ રેઇન અંગે જાગૃતિ, ટેન્ડર મંજૂર થયા બાદ કામની સ્થિતિ ચકાસવા ખાસ તાકીદ કરી હતી. વધુમાં તેમણે હીટ વેવ સામે વહીવટીતંત્ર નાગરિકોને સાવધાન કરવા જરૂરી પગલાં લેવા, સરકારી કચેરીઓમાં આવતા અરજદારોને ગરમીમાં છાંયડો, અને પાણી મળી રહે એવી વ્યવસ્થા કરવા તેમજ શાળાઓમાં બાળકો માટે ગરમીથી રક્ષણ મળી રહે એ પ્રકારની વ્યવસ્થાઓ કરવા સૂચન કર્યું હતું.
બેઠકમાં જિલ્લા આયોજન મંડળના ઉપાધ્યક્ષ સુશ્રી હેતલબેન ઠાકોર, પ્રભારી સચિવ શ્રી મમતા વર્મા, રાધનપુર ધારાસભ્યશ્રી લવિંગજી ઠાકોર, ચાણસ્મા ધારાસભ્ય દીનેશજી ઠાકોર, કલેકટર તુષાર કુમાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારીશ સી.એલ.પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે નાયી સહિત વિવિધ પદાધિકારીઓ, આયોજન મંડળના અધિકારીઓ, તાલુકા પંચાયત પ્રમુખઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, ચીફ ઓફિસરશ્ઓ અને વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.