નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના અધ્યક્ષપદે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી. જ્યાં કલેકટરશ્રીએ ભારત સરકારના “જલ જીવન મિશન” અંતર્ગત નલ સે જલ કાર્યક્ર્મ હેઠળ જિલ્લામાં મંજૂર થયેલા કામો, પૂર્ણ થયેલા અને પ્રગતિ હેઠળના કામો-યોજનાઓની સમીક્ષા કરી હતી.
આ તકે કલેક્ટર શ્રીમતી તેવતિયાએ નલ સે જલ કાર્યક્રમ હેઠળ પ્રગતિ હેઠળની યોજનાઓની સમીક્ષા કરીને કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય અને નિયમિત પાણી પુરવઠો ઉપલબ્ધ થાય તે માટે સૂચનો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર-રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જિલ્લાની સમયાંતરે થયેલી મુલાકાત લીધી હતી. જેમાં અન્ય જિલ્લાઓની સરખામણીમાં જિલ્લામાં ઉપલબ્ધ થતા ગુણવત્તાયુક્ત પાણી બદલ કલેકટરશ્રીએ સમિતિના સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા.
કલેક્ટર તેવતિયાએ વધુમાં નર્મદા જિલ્લામાં ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાના ઓપરેટરોના ક્ષમતાવર્ધન માટે નિયમિત તાલીમના થઈ રહેલા આયોજન-કામગીરીની પ્રસંશા કરી હતી. બેઠકમાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા દ્વારા નર્મદા જિલ્લામાં જુથ પાણી પુરવઠા યોજના અંતર્ગત સમાવિષ્ટ ગામો તથા પીવાના પાણી માટેની ગ્રીવ્યન્સ રીડ્રેસલ (૧૯૧૬ હેલ્પલાઈન) ની ફરીયાદો બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં છેલ્લા ત્રણ માસમાં મળેલ ફરીયાદોની હકારાત્મક નિકાલ બાબતની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાગર, પ્રાયોજના વહીવટદાર ટ્રાયબલ સબ પ્લાન, ઇ. જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે. કે. જાદવ, સિંચાઈ, ડીજીવીસીએલના કાર્યપાલક ઈજનેર સહિત અન્ય વાસ્મોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતા.