નડિયાદમાં આવેલી માર્ગ અને મકાન વિભાગના સિનિયર ક્લાર્ક વર્ષ 2015માં રૂપિયા 3 હજાર500ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા, જે કેસની સુનાવણી નડિયાદ કોર્ટ દ્વારા કરવામાં આવતા આ સિનિયર ક્લાર્કને લાંચના ગુનામાં કસૂરમાં ઠેરવીને ચાર વર્ષની કેદની સજા ફટકારી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી ગોવિંદભાઈ દેવાભાઈ પરમાર (રહે.વરસડા તા.તારાપુર જી આણંદ) સામે એસીબી કચેરીમાં લાંચ રુશ્વતનો ગુનો દાખલ કરાયો હતો. આ ગોવિંદભાઈ વિરુદ્ધમાં તપાસ કર્યા બાદ ચાર્જશીટ કોર્ટમાં મૂકવામાં આવી હતી.આ કેસ નડિયાદની સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો સ્પે.જજ એસ.પી.રાહતકરની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ જી.વી.ઠાકુરએ ફરીયાદ પક્ષે સાક્ષી તપાસેલા 7 સાહેદલ તથા 59 દસ્તાવેજી પુરાવાનું લીસ્ટ રજૂ કર્યા હતા અને દલીલ પણ કરી હતી આ તમામ બાબતો ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપી ગોવિંદભાઈ પરમારને ગુનેગાર ફેરવીને લાંચ રૂશ્વતના કેસમાં 4 વર્ષની સજા અને રૂપિયા 10 હજાર દંડ ભરવાનો હુકમ કર્યોં છે.