પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ કાશ્મીરને 30,500 કરોડ રૂપિયાના પ્રોજેક્ટની ભેટ આપી છે. પ્રધાનમંત્રીએ એજ્યુકેશન, રેલવે, એવિએશન અને રોડ સેક્ટર્સ સાથે જોડાયેલ વિકાસકાર્યોની ભેટ આપી છે. પ્રધાનમંત્રીએ ઘાટીમાં પહેલી ઈલેક્ટ્રિક ટ્રેન, સંગલદાન સ્ટેશન અને બારામૂલા સ્ટેશન વચ્ચે ટ્રેન સેવાને લીલી ઝંડી આપી છે. આ બાબતે નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કર્યા છે. ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર જે પણ કામ કરી રહી છે, તેની જરૂર છે. જે પર્યટન અને વિકાસ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, આ ખૂબ જ સરાહનીય કાર્ય છે. જે માટે રેલવે મંત્રાલય અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શુભકામનાઓ પાઠવું છું.
ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું કે, ‘ટૂંક સમયમાં કટરાથી સંગલદાન સુધી ટ્રેન સેવા પહોંચી જશે. અમારે ઈમરજન્સી ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. રેલવે હવે કનેક્ટિવિટી પ્રદાન કરશે, જે પર્યટન માટે ખૂબ જ જરૂરી છે. હવે અન્ય વિસ્તારોમાં સરળતાથી સફર કરી શકીશું. માલ સામાન સરળતાથી ટ્રાન્સફર થઈ શકશે.’
રેલવે સેવા વરદાનરૂપ સાબિત થશે
ફારૂક અબ્દુલ્લાએ આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે, ‘આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ પગલું છે. હું રેલવે મંત્રાલય અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શુભકામનાઓ પાઠવું છું. જેમણે આ કામ કર્યું તે રેલવે વર્કર્સનો પણ આભાર વ્યક્ત કરું છું. હું આશા રાખું છું કે, આ રેલવે સેવા વરદાનરૂપ સાબિત થશે.’
‘જુન-જુલાઈ સુધીમાં કામ પૂરું થશે’
ફારૂક અબ્દુલ્લાએ વધુમાં જણાવ્યું કે, ‘પહેલા અમને લાગતું હતું કે, વર્ષ 2008 સુધીમાં રેલવે સેવા સાથે જોડાઈશું. અમારા વિસ્તારમાં કામમાં ખૂબ જ મુશ્કેલીઓ આવે છે, ટનલ બનાવવી પડે છે. રેલવે મંત્રાલયે આ મુશ્કેલીઓ દૂર કરીને કામ શરૂ કર્યું છે, જુન-જુલાઈ સુધીમાં આ કાર્ય પૂરું થઈ શકે છે.’
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના ચીફ ફારૂક અબ્દુલાએ NDA ગઠબંધનમાં શામેલ થવાના સંકેત આપ્યા હતા. ફારૂક અબ્દુલાએ મીડિયા સાથે વાત કરીને ક્લીઅર કરી દીધું છે કે, તેઓ કોઈપણ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે, જમ્મુ કાશ્મીરમાં તેમની પાર્ટી નેશનલ કોન્ફરન્સમાં એકલી ચૂંટણી લડશે.
ફારૂક અબ્દુલ્લાએ શ્રીનગરમાં કહ્યું હતું કે, ‘જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા અને લોકસભા ચૂંટણી એકસાથે થશે. નેશનલ કોન્ફરન્સ એકલા હાથે ચૂંટણી લડશે. મારે દેશ બનાવવા માટે જે કરવું પડશે તે કરીશ. પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી મુલાકાત માટે ફોન કરીને બોલાવે તો કોણ ના પાડશે.’