ભારત-આર્મીનિયા હથિયાર ડીલને લઈને અઝરબૈજાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે યુરેશિયાઈ દેશે પાકિસ્તાનની સાથે હથિયારોની મોટી ડીલ કરી છે. અઝરબૈજાને પાકિસ્તાનથી 1.6 અરબ ડોલરની JF-17 બ્લોક-III ફાઈટર જેટ્સ ખરીદવાનો કરાર કર્યો છે.
આ કરાર પાકિસ્તાનના પ્રમુખ ડિફેન્સ કોન્ટ્રાક્ટર પાકિસ્તાન એરોનોટિકલ કોમ્પ્લેક્સ અને અઝરબૈજાનની વાયુસેનાની વચ્ચે થયો છે જે પાકિસ્તાનના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો નિકાસ કરાર છે. કરારમાં જેએફ-17 ફાઈટર જેટ્સની સાથે ટ્રેનિંગ આપવાનું પણ સામેલ છે.
પાકિસ્તાન એરોનોટિકલ કોમ્પ્લેક્સ એક મોટી કંપની છે જે પાકિસ્તાનની સેના માટે વિમાન અને બાકી સામાન બનાવે છે. તેને વર્ષ 1971માં પાકિસ્તાની વાયુસેનાએ શરૂ કર્યુ હતુ. કંપની પોતાના અમુક ઉત્પાદનો માટે તુર્કી અને ચીનની કંપનીઓની સાથે મળીને કામ કરે છે.
ભારત-આર્મીનિયા ડિફેન્સ ડીલથી ભડકી ગયુ હતુ અઝરબૈઝાન
યુરોપ અને એશિયાની વચ્ચે વસેલા અઝરબૈજાન અને તેના પાડોશી દેશ આર્મીનિયામાં કટ્ટર દુશ્મની ચાલી આવી રહી છે. બંને દેશ નાગોર્ના-કારાબાખ વિસ્તાર પર પોતાના અધિકાર માટે લડતા આવ્યા છે. વર્ષ 2023માં અઝરબૈજાને લડતમાં જીત મેળવી અને નાગોર્નો કારાબાખ વિસ્તાર પર પોતાનો કબ્જો કરી દીધો.
વર્ષ 2023માં કારાબાખ હારી ગયા બાદ આર્મીનિયાએ ભારત અને ફ્રાંસની સાથે હથિયારોની મોટી ડીલ કરી હતી જેમાં એર ડિફેન્સ સિસ્ટમ અને બખ્તરબંધ ગાડીઓ સહિત અન્ય હથિયારોની ખરીદી સામેલ છે. આર્મીનિયાની સાથે ભારત-ફ્રાંસના હથિયાર ડીલને લઈને અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઈલ્હામ અલીયેવ ભડકી ગયા હતા.
ડિસેમ્બર 2023માં અલીયેવે કહ્યુ હતુ, ફ્રાન્સ અને ભારત જેવા દેશ આર્મીનિયાને હથિયારોની સપ્લાય કરીને આગમાં ઘી નાખી રહ્યા છે. આ દેશ આર્મીનિયામાં ભ્રમ પેદા કરી રહ્યા છે આ હથિયારોના કારણે તેઓ કારાબાખને પાછુ લઈ શકે છે.
Great news. Azerbaijan will get from Pakistan JF-17 aircraft worth $1.6 billion
— Abdul Basit (@abasitpak1) February 22, 2024
કાશ્મીરના મુદ્દે પણ પાકિસ્તાનનો સાથ આપતા આવ્યા છે અઝરબૈજાન
અઝરબૈજાન કાશ્મીરના મુદ્દે પણ ઘણીવખત પાકિસ્તાનની સાથે ઊભા થયા આવ્યા છે. ભારતમાં અઝરબૈજાનના પૂર્વ રાજદૂત અશરફ શિકાલિયેવે અમુક સમય પહેલા કહ્યુ હતુ કે તેમનો દેશ કાશ્મીરના મુદ્દે પાકિસ્તાનની સાથે સહયોગી વલણ રાખે છે.
પાકિસ્તાન-અઝરબૈજાન ડિફેન્સ ડીલ પર પાકિસ્તાનના પૂર્વ રાજદ્વારીએ આપી પ્રતિક્રિયા
અઝરબૈજાનની સાથે પાકિસ્તાનની ડિફેન્સ ડીલ પર ભારતમાં પાકિસ્તાનના ઉચ્ચ કમિશનર રહી ચૂકેલા પાકિસ્તાનના પૂર્વ રાજદ્વારી અબ્દુલ બાસિતે ટિપ્પણી કરી છે. સોશિયલ મીડિયા સાઈટ એક્સ પર એક ટ્વીટમાં તેમણે લખ્યુ, મોટી ખબર… અઝરબૈજાન પાકિસ્તાનથી 1.6 અરબ ડોલરના JF-17 એરક્રાફ્ટ ખરીદશે.