આજે શનિવારના દિવસે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને બાળકોના વેકેશન દરમિયાન વિવિધ વિસરાઈ ગયેલી તેમજ આધુનિક રમત ગમતના સાધનોના અનોખા દિવ્ય શણગાર કરવામાં આવ્યા તથા દાદાને જલેબી નો ભોગ લગાવવામાં આવ્યો. સવારે 6:30 કલાકે શણગાર આરતી કરવામાં આવી.
જેમાં જૂની વીસરાઈ ગયેલી રમતો જેવી કે ભમરડા, લખોટી, છાપો, ગોચંડી, ગીલ્લી ડંડા, સોપટા બાજી,કોડીયો, સાપસીડી,પથ્થર, સાતોડિયુ માલદાડી નો બોલ નો ઉપયોગ કરવામાં આવ્યો, તે ઉપરાંત દાદાને ક્રિકેટની કીટ, બેટ-બોલ, સ્ટમ્પ, હોકી, ચેસ, બાસ્કેટબોલ, ફૂટબોલ, વોલીબોલ, ટેબલ ટેનિસ, કેરમ બોર્ડના શણગાર કરવામાં આવ્યા. દાદાને એક નંબરની ટીશર્ટ હનુમાન દાદા લખેલી પહેરાવવામાં આવી અને સાથે ટોપી પણ પહેરાવી દાદાને રમતવીર બનાવ્યા. આ પ્રસંગે દાદાને મલિન્દો જમાડવા માટે હવન કરવામાં આવ્યો અને રામધૂન કરવામાં આવી.
આ મંદિર 140 વર્ષ જૂનું મંદિર છે જે નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે આવેલું છે, જે મંદિરે દર શનિવારે અલગ અલગ પ્રકારના અનોખા શણગાર દાદાને કરવામાં આવે છે અને દાદાને મહાભોગ ધરાવામાં આવે છે અને ભક્તો આ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે.
અનોખા દર્શન નો લાભ લેવા ભક્તો સવારથી મોટી સંખ્યામાં આવે છે.