સુરતના લિંબાયત વિસ્તારમાં ગોડદરા ડિડોલી બ્રિજ પર પાલિકાની સિટી બસ રોંગ સાઈડ પર દોડતી જોઈને લોકોમાં આશ્ચર્ય સાથે ગભરાટ જોવા મળ્યો હતો. કેટલાક લોકોએ પાલિકાની સીટી બસ રોંગ સાઈડ પર બસ દોડતી હતી તેનો વિડીયો ઉતારી દીધો હતો. લોકોએ ઉતારેલો વિડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં લોકો પાલિકાના સિટી બસ સેવા ની સામે અનેક સવાલ ઉઠાવી રહ્યા છે.
સુરત મહાનગરપાલિકા સંચાલિત સીટી બસના ચાલકની ગંભીર બેદરકારી ફરી એક વાર વિવાદ બની રહી છે. આ પહેલા પાલિકાની બ્લુ સીટી બસ ના કારણે અનેક અકસ્માત થયાં છે અને અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. પાલિકાના સિટી બસના ડ્રાઈવર ની બેદરકારી માટે અત્યાર સુધી અનેક વાત થતી હતી અને આક્ષેપ થતાં હતા. પરંતુ ગઈકાલે રાત્રે ગોડાદરા ડિંડોલી બ્રિજ પર ભર ટ્રાફિકમાં પાલિકાની બસનો ડ્રાઈવર રોંગ સાઈડ પર બસ દોડાવતો હતો તે વિડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
હાલમાં શહેરમાં અકસ્માત નું પ્રમાણ વધી રહ્યું છે તેના કારણે પાલિકાએ અનેક મોટા રોડ અને બ્રિજ બનાવ્યા છે તેમ છતાં ચંદ્રશેખર આઝાદ બ્રિજ અને ડભોલી- જહાંગીરપુરા બ્રિજ પર લોકો વાહનો રોંગ સાઈડ દોડાવી રહ્યા છે. પરંતુ હવે ગોડાદરા ડિંડોલી બ્રિજ પર પાલિકાની સિટી બસ દોડતી હોવાથી મોટા અકસ્માતની શક્યતા નકારી શકાતી નથી.
ટ્રાફિકથી ધમધમતા બ્રિજ પર પાલિકાની બસ રોંગ સાઈડ દોડતી હોય ત્યારે કોઈ મોટી દુર્ઘટના થાય તો જવાબદારી કોની? પાલિકાના બસ ડ્રાઈવર બેફામ બસ દોડાવી રહ્યા છે અને બસ સ્ટેન્ડ ન હોવા છતાં ગમે ત્યાં બસ ઉભી રાખી દેતા હોવાની અનેક ફરિયાદ છે. પરંતુ આવી ફરિયાદ નો નિકાલ પાલિકા તંત્ર કરતું ન હોવાથી પાલિકાની સીટી બસના ડ્રાઈવર હવે બસ રોંગ સાઈડ દોડાવતાં થયાં છે. હજી પણ જો પાલિકા તંત્ર આવા કિસ્સામાં કોઈ પગલાં નહીં ભરે તો કોઈ મોટી જાનહાની સાથે અકસ્માત થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે.