‘હું ભલે મુસ્લિમ છું પરંતુ મારી દીકરીમાં સ્વામીનારાયણના ગુણ આવશે.બે જીવન બચાવવા બદલ આપનો આભાર’ આ શબ્દો સાથે પ્રણામ કરી પિતાએ વડોદરા રેલવે સ્ટેશન પર રેલવેના મહિલા કર્મચારીનો સફળ પ્રસૂતિ કરાવવા બદલ આભાર માન્યો હતો. વડોદરા રેલવે સ્ટેશન પર સવારે 4:30 વાગે અફરાતફરી વચ્ચે અડધી પ્રસૂતિ થઈ ગયેલી મહિલાને બાળકીનો સફળ જન્મ કરાવવામાં આવ્યો હતો. પૂરી -અમદાવાદ સાપ્તાહિકટ્રેનમાં ભુસાવળથી અમદાવાદ જવા માટે 22 વર્ષનું મુસ્લિમ દંપતી મોહસીન ઉદ્દીન કાઝી પત્ની મુન્ની તસ્લીમ પઠાણ સાથે મુસાફરી કરી રહ્યું હતું. વડોદરા રેલવે સ્ટેશન પર શુક્રવારે સવારે 04:22 વાગે આવેલી આ ટ્રેનમાં અચાનક મહિલાને લેબર પેન શરૂ થતા જનરલ કોચની સીટ ઉપર જ અડધી પ્રસૂતિ થઈ ગઈ હતી. બીજી તરફ કોચમાંથી જ કોઈક મુસાફરે રેલવેનો સંપર્ક સાધ્યો હતો. કોમર્શિયલ કંટ્રોલે સ્ટેશન ઉપર નાઈટ ડ્યુટીમાં ફરજ બજાવી રહેલા સિનિયર ટીસી ભૂમિકા પટેલને જાણ કરીહતી.
આ સિવાય રેલવે સ્ટેશન પરના તબીબ અને કોમર્શિયલ વિભાગના અધિકારીને પણ જાણ કરતા વોર્ડ બોય અને કોમર્શિયલ વિભાગના અધિકારી કોચમાં પહોંચ્યા હતા. પરંતુ પ્રસૂતિનો વિષય હોવાથી માત્ર ટીસી ભૂમિકાબેન મદદરૂપ થઈ શકે તેમ જણાયું હતું. બીજી તરફ જનરલ કોચમાં કોઈ પ્રસૂતિ માટે મદદ ન કરતા આખરે ભૂમિકાબેનને અનુભવ ન હોવા છતાં પણ બીડું ઝડપ્યુહતું. મહિલાને સીટ પર જ અડધી પ્રસૂતિ થઈ ગઈ હતી અને માત્ર બાળકના પગ આવવાના બાકી હતા.
સ્વામીનારાયણ ભગવાનના જાપ કરી પ્રસૂતિ કરાવી
ડિલિવરી અંગે બિન અનુભવી મહિલા ટીસી પણ ગભરાયા હતા. તેથી તેમણે સ્વામીનારાયણ ભગવાનના ધાર્મિક જાપ શરૂ કરી આત્મવિશ્વાસ કેળવી મહિલાને સંપૂર્ણ પ્રસૂતિ કરાવી હતી. મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો અને 108 દ્વારા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી આ સમયે બાળકીના પિતા એ મહિલા ટી સી ભૂમિકાબેન ને પગે લાગી પત્ની અને બાળકનો જીવ બચાવવા માટે આભાર વ્યક્ત કરી પોતાની દીકરીમાં સ્વામીનારાયણના
ગુણ આવશે તેવા સાહજીક ઉદગાર કાઢ્યા હતા. રબરબેન્ડથી નાળ બાંધી
રેલવે સ્ટેશન ઉપર ફર્સ્ટ એડ બોક્સ સાથે વોર્ડ બોય પહોંચ્યો હોવાથી તેની પાસેની કાતરથી મહિલાની નાળ કાપવામાં આવી હતી.ભૂમિકાબેને જણાવ્યું હતું કે, ત્યારબાદ નાળને કંઈ કરવાનું હોય છે તેઓ મને ખ્યાલ હતો પરંતુ અનુભવ ન હતો અને ગભરાયેલા પણ હતા આખરે રબર બેન્ડથી નાળ ને બંધ કરી મહિલાને બચાવી હતી.