અત્યાર સુધી મુકેશ અંબાણી એશિયાના સૌથી અમીર વ્યક્તિ હતા. પરંતુ ગૌતમ અદાણીએ તેમને પાછળ છોડી એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. શુક્રવારે વિશ્વના 500 અરબપતીઓમાં સૌથી વધુ સંપત્તિ ગૌતમ અદાણીની વધી હતી. આથી તે અંબાણીને પાછળ છોડી 11માં નંબરના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.
સંપત્તિમાં 5 બિલિયન ડોલર જેટલો વધારો
બ્લૂમબર્ગ બિલિયોનર્સના રિપોર્ટ મુજબ શુક્રવારે ટોપ 12 અમીર વ્યક્તિઓમાં એલન મસ્ક, જેફ બેઝોસ અને લેરી એલિસનની સંપત્તિમાં ઘટાડો જોવા મળ્યો. તો ગૌતમ અદાણીની સંપત્તિમાં જોરદાર ઇજાફો જોવા મળ્યો. જેમાં અદાણીની સંપત્તિ 5 બિલિયન ડોલર જેટલી વધી. તો અંબાણીની સંપત્તિમાં મામૂલી વધારો નોંધાયો.
અદાણીની સંપત્તિ 111 અરબ ડોલરે પહોંચી
બ્લૂમબર્ગ બિલિયોનર્સના આંકડા મુજબ શુક્રવારે અદાણીની સંપત્તિ 5.45 બિલિયન ડોલર એટલે કે 45000 કરોડ રૂપિયા વધી. જેથી તેમની કુલ સંપત્તિ 111 અરબ ડોલરે પોંહચી ગઈ. આ વર્ષે તેમની સંપત્તિમાં 26.8 અરબ ડોલરનો વધારો જોવા મળ્યો છે. સ્ટોક માર્કેટમાં અદાણીના શેરમાં તેજી જોવા મળતા તેમની માર્કેટ કેપમાં ઇજાફો થયો.
અંબાણીને પાછળ છોડ્યા
ગૌતમ અદાણીની સંપત્તિ 111 અરબ ડોલર થતાં તે વિશ્વના અગિયારમાં નંબરના અમીર વ્યક્તિ બન્યા છે. તો અંબાણીની સંપત્તિ 109 બિલિયન ડોલર થતાં તે 12માં નંબરે પોંહચી ગયા છે. શુક્રવારે અંબાણીની સંપત્તિ 76.2 મિલિયન ડોલર વધી. તો આ વર્ષમાં તેમની સંપત્તિમાં 12.7 બિલિયન ડોલરનો વધારો નોંધાયો છે.
વિશ્વના ત્રણ અરબપતિઓની સંપત્તિ ઘટી
ઉલ્લેખનીય છે કે,એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસની સંપત્તિ શુક્રવારે 2.75 બિલિયન ડોલર ઘટી જેથી તેમની નેટ વર્થ 199 અરબ ડોલર થઈ, એલન મસ્કની સંપત્તિ 493 મિલિયન ડોલર ઘટી જેથી તેમની નેટવર્થ 203 અરબ ડોલર થઈ ગઈ. તો લેરી એલિસનની સંપત્તિમાં 21.7 મિલિયન ડોલરનો ઘટાડો જોવા મળ્યો, તેમની નેટવર્થ 132 અરબ ડોલરે પોંહચી.