ગુજરાતમાં ઊર્જા ક્ષેત્રના સંશોધન, તાલીમ અને ટેકનિકલ ક્ષમતાના વિકાસને નવી ગતિ આપવા માટે EQDC (Energy Efficiency & Quality Development Centre) ખાતે અદ્યતન સુવિધાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મંત્રી ડો. જયરામભાઈ સી. ગામિતએ ઈક્યૂડીસીની નવી સુવિધાઓ અંગેની તકતીનું અનાવરણ કરીને આ પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો. ઉદ્ઘાટન બાદ તેમણે ઉર્જા લેબોરેટરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ પણ કર્યું. આ નવી સુવિધાઓ શરૂ થતાં રાજ્યમાં ઊર્જા ક્ષેત્રમાં સંશોધન, પરીક્ષણ અને ટેકનિકલ તાલીમના નવા અવસર ઉભા થશે. ખાસ કરીને MSME ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને ઇલેક્ટ્રિકલ-એનર્જી ક્ષેત્ર સાથે જોડાયેલા ઉદ્યોગોને ટેકનિકલ માર્ગદર્શન અને સપોર્ટ ઉપલબ્ધ થશે.
‘મેક ઈન ઈન્ડિયા’ અને ‘સ્કિલ ઈન્ડિયા’ને મળશે વેગ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “Make in India”, “Skill India” અને “Startup India” જેવા અભિયાનોને આગળ વધારતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા અનેક પહેલો કરવામાં આવી રહી છે. ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળ કાર્યરત EQDC ખાતે શરૂ કરાયેલી આ ત્રણ મહત્વપૂર્ણ સુવિધાઓ રાજ્યના ઔદ્યોગિક વિકાસને વધુ મજબૂત બનાવશે. ગુજરાત સરકાર “વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત”ના મંત્ર સાથે ઉદ્યોગ વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે પ્રતિબદ્ધ હોવાનું પણ આ પ્રસંગે જણાવાયું.
ઉર્જા પરીક્ષણ માટે આધુનિક સુવિધાઓ
EQDC ખાતે સ્થાપિત ઉર્જા પ્રયોગશાળામાં ડિસ્કોમ કેબલ્સ, એનર્જી મીટર, ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર, ઇન્સ્યુલેટર અને અન્ય ઇલેક્ટ્રિકલ ઉપકરણો માટે અદ્યતન પરીક્ષણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ લેબોરેટરીના કારણે ઊર્જા કાર્યક્ષમતા, ઇલેક્ટ્રિકલ ગુણવત્તા, ટેસ્ટિંગ અને એનાલિસિસ જેવી કામગીરી વધુ સરળ બનશે. હવે ઉદ્યોગોને તેમના પ્રોડક્ટ્સ અને સિસ્ટમ્સનું પરીક્ષણ સ્થાનિક સ્તરે જ કરવાની સુવિધા મળશે, જેના કારણે ખર્ચ અને સમય બંનેમાં બચત થશે.
વિદ્યાર્થીઓ અને ટેકનિશિયન માટે તાલીમ કેન્દ્ર
EQDC ખાતે સ્થાપિત ટ્રેનિંગ સેન્ટર ઉદ્યોગકારો, ઇજનેરો, ટેકનિશિયન તેમજ વિદ્યાર્થીઓ માટે કુશળતા વિકાસનું મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બનશે. અહીં Energy Management, Electrical Safety, Renewable Energy Technology અને ઉદ્યોગ ક્ષેત્ર માટે જરૂરી આધુનિક ટેકનિકલ તાલીમ આપવામાં આવશે. આ કેન્દ્ર રાજ્યમાં ટેકનિકલ માનવસંસાધન વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
ઉદ્યોગ અને નીતિ નિર્માતાઓ માટે સંવાદ મંચ
આ ઉપરાંત EQDC ખાતે અદ્યતન કોન્ફરન્સ રૂમ પણ બનાવવામાં આવ્યો છે, જે ઉદ્યોગકારો, નિષ્ણાતો અને નીતિ નિર્માતાઓ વચ્ચે સંવાદ અને વિચાર-વિમર્શ માટે મહત્વપૂર્ણ બનશે. અહીં ઉદ્યોગ અને ઊર્જા ક્ષેત્રમાં નવી ટેકનોલોજી, નવી નીતિઓ અને નવી પહેલો અંગે ચર્ચા કરવામાં આવશે.
અધિકારીઓ અને ઉદ્યોગ જગતની ઉપસ્થિતિ
આ કાર્યક્રમમાં અધિક મુખ્ય સચિવ (ઉદ્યોગ અને ખાણ વિભાગ) મમતા વર્મા (IAS), ઉદ્યોગ કમિશનર સ્વરૂપ પી. (IAS) સહિત ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે જણાવાયું કે EQDC ખાતે શરૂ કરાયેલી આ નવી સુવિધાઓ ગુજરાતને ઊર્જા કાર્યક્ષમતા અને ઔદ્યોગિક વિકાસમાં આગેવાન બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel