હાલમાં PM નરેન્દ્ર મોદી પોતાના બે દિવસીય ગુજરાત પ્રવાસ માટે અહીં આવી પહોંચ્યા હતા. જે બાદ શુક્રવાર (29 સપ્ટેમ્બર) ના રોજ ગૃહમંત્રી અમિત શાહ પણ પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ માટે અમદાવાદ પહોંચશે. અહીં તેઓ પોતાના લોકસભાક્ષેત્ર ગાંધીનગરમાં ઘણા કાર્યક્રમોમાં ભાગ લેવાના છે અને લગભગ ₹1,651 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ પણ કરવાના છે.
અહેવાલો મુજબ ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારે સાંજના સમયે અમદાવાદ એરપોર્ટ પહોંચશે જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવશે. તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવાના છે.
આ સાત પૂર્વનિર્ધારિત કાર્યક્રમોમાં લેશે ભાગ
- સરખેજ વોર્ડ: ઓકાફ તળાવના નવીનીકરણનું ખાતમુહૂર્ત
- થલતેજ વોર્ડ: ભાડજ તળાવના નવીનીકરણનું ખાતમુહૂર્ત
- ગોતા વોર્ડ: ઓગણજ તળાવના નવીનીકરણનું ખાતમુહૂર્ત
- ચાંદલોડિયા વોર્ડ: જગતપુર ગામના તળાવના નવીનીકરણનું ખાતમુહૂર્ત
- ચાંદલોડિયા વોર્ડ: ત્રાગડ ગામના તળાવના નવીનીકરણનું ખાતમુહૂર્ત તથા લલિતા ગોવિંદ ઉદ્યાનનું લોકાર્પણ
- AMC અને AUDA ના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
- રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ શિક્ષણ અને સંશોધન સંસ્થાના નવા ભવનનું લોકાર્પણ
આ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમંત્રી અમિત શાહની સાથે રહેશે. શક્યતા છે કે આ બધા કાર્યક્રમોની સાથે સાથે અમિત શાહ અમુક રાજકીય અને સંગઠનાત્મક બેઠકો પણ લેશે.
PM મોદીએ આપી હતી ₹5206 કરોડના વિકાસકાર્યોની ભેટ
આ પહેલા મંગળવારે (26 સપ્ટેમ્બર) PM નરેન્દ્ર મોદી ગુજરાત આવી પહોંચ્યા હતા. અહીં તેમનો 2 દિવસીય પ્રવાસ હતો. તેઓ જેવા અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા ત્યાં જ હજારોની જનમેદની તેમના સ્વાગત માટે પહોંચી હતી જેમ મોટી સંખ્યામાં મહિલાઓ પણ હતી. નોંધનીય છે કે લોકસભા અને રાજ્યસભામાં મહિલાઓને 33% અનામત માટેનું બિલ પસાર થયા બાદ PM મોદી પ્રથમવાર ગુજરાત આવ્યા હતા.
અમદાવાદ એરપોર્ટ પર પહોચ્યા બાદ તેઓ નારી શક્તિ વંદન અભિનંદન કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જ્યાં હજારો મહિલાઓ તેમનો આભાર માનવા આવી હતી. અહીં PM મોદીએ સંબોધન પણ કર્યું હતી.
નિર્ધારિત કાર્યક્રમ મુજબ PM મોદીના ગુજરાત પ્રવાસનો બુધવારે (27 સપ્ટેમ્બરે) બીજો દિવસ થયો છે. બીજા દિવસના કાર્યક્રમમાં PM મોદી સવારે 10 કલાકે સાયન્સ સિટી ખાતેના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે રોબોટિક ગેલેરીનું નિરીક્ષણ પણ કર્યું હતું.
તેમણે વાઈબ્રન્ટ ગુજરાત સમિટના 20 વર્ષ પૂર્ણ થયાની ઉજવણીના ભાગરૂપે ‘સમિટ ઓફ સક્સેસ’ પેવેલિયનનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે પોતાના આ પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતની જનતાને ₹5,206 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી હતી.