ભારતનું ચંદ્ર મિશન ચંદ્રયાન-3 હવે તેના અંતિમ તબક્કામાં છે. ઈસરોના વૈજ્ઞાનિકોની સાથે સાથે હવે દેશના લોકોના હૃદયના ધબકારા પણ વધી રહ્યા છે. આ દરમિયાન ઈસરોના ચેરમેન એસ સોમનાથે 23 ઓગસ્ટના રોજ સફળ સોફ્ટ-લેન્ડિંગનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
અત્યાર સુધી બધું બરાબર છે-ઈસરો ચીફ
એસ સોમનાથે કહ્યું “આ આત્મવિશ્વાસ લોન્ચ પહેલાની તમામ તૈયારીઓ અને ચંદ્રની યાત્રામાં સંકલિત મોડ્યુલ અને લેન્ડિંગ મોડ્યુલ દ્વારા કરવામાં આવેલી મુશ્કેલી-મુક્ત પ્રગતિથી આવ્યો છે. અમને વિશ્વાસ છે કારણ કે અત્યાર સુધી બધું બરાબર છે અને આ સમય સુધી કોઈ આકસ્મિક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો નથી.”
અમે અમારી તૈયારીઓ કરી લીધી છે- એસ સોમનાથ
ઈસરોના ચેરમેને વધુમાં કહ્યું, ‘અમે તમામ તૈયારીઓ કરી લીધી છે અને આ તબક્કા સુધી તમામ સિસ્ટમોએ અમારી જરૂરિયાત મુજબ કામગીરી કરી છે. હવે અમે મલ્ટિપલ સિમ્યુલેશન, વેરિફિકેશન અને સિસ્ટમ્સની ડબલ વેરિફિકેશન સાથે લેન્ડિંગની તૈયારી કરી રહ્યા છીએ, સાધનોના સિસ્ટમની તપાસ કરવામાં આવી રહી છે.’
રશિયાનું લુના-25 ક્રેશ
હવે દુનિયાની નજર ચંદ્રયાન-3ના લેન્ડિંગ પર છે. કારણ કે રશિયાનું ચંદ્ર મિશન લુના-25 ચંદ્ર સાથે અથડાયા બાદ ક્રેશ થયું હતું. વર્ષ 2019 અને 2023 વચ્ચેના ચાર મૂન લેન્ડિંગ મિશનમાંથી ત્રણ નિષ્ફળ ગયા છે. ચીનના ચાંગ-E-5 સિવાય, અન્ય તમામ – ઇઝરાયેલનું બેરેશીટ, જાપાનનું હાકુટો-આર, ભારતનું ચંદ્રયાન-2 અને હવે રશિયાનું લુના-25 – આ સમયગાળામાં લેન્ડિંગના પ્રયાસો નિષ્ફળ ગયા છે.
લેન્ડર અને ચંદ્રયાન-2 ઓર્બિટર વચ્ચે દ્વિ-માર્ગી સંચાર થઈ ગયો છે
એસ સોમનાથે એ પણ પુષ્ટિ કરી કે ચંદ્રયાન-2ના ઓર્બિટર સાથે લેન્ડિંગ મોડ્યુલને જોડવાનું જટિલ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. જે 2019થી ચંદ્રની પરિક્રમા કરી રહી રહ્યું છે. તેમણે કહ્યું, ‘ચંદ્રયાન-2 ઓર્બિટર સાથે લેન્ડરને જોડવાનું પરીક્ષણ અને ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે’. ઈસરોએ પાછળથી જણાવ્યું કે આનાથી લેન્ડર અને ચંદ્રયાન-2 ઓર્બિટર વચ્ચે દ્વિ-માર્ગી સંચાર થઈ ગયો છે.