હાલમાં આ મંદિરનુ નિર્માણ કાર્ય ચાલી રહ્યુ છે. 30 થી વધારે દેશોના રાજદૂતોને આ મંદિર જોવા માટે લઈ જવાયા હતા. મંદિરની ભવ્યતા જોઈને વિવિધ દેશના રાજદૂતો પણ હેરતમાં પડી ગયા હતા.
મધ્ય પૂર્વના ખાડી દેશોમાં આ પહેલુ પરંપરાગત હિન્દુ મંદિર બની રહ્યુ છે. મંદિરોના પથ્થરો પર અદભૂત કોતરણી કરવામાં આવી રહી છે. જેમાં દુનિયાભરની સંસ્કૃતિ અને કલાની ઝલક જોવા મળશે.
યુએઈ સ્થિત ભારતીય દૂતાવાસે ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે ફિલિપિન્સ, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન, જાપાન, ઈન્ડોનેશિયા, બ્રાઝિલ, ઈઝરાયેલ, બેલ્જિયમ, ન્યૂઝીલેન્ડ, કેનેડા તેમજ નાઈજિરિયા સહિત 30 દેશોના પ્રતિનિધિઓએ મંદિરની મુલાકાત લીધી હતી. ભારતીય દૂતાવાસ દ્વારા આ તમામ પ્રતિનિધિઓને મંદિર અંગે અને તેના નિર્માણ અંગે જાણકારી આપી હતી.
ભારતીય દૂતાવાસે કહ્યુ હતુ કે, આ મંદિર ભારત અને યુએઈ વચ્ચેના ઘનિષ્ઠ, ઐતહાસિક અને સાંસ્કૃતિક બંધનનુ પ્રતિક છે. ભારતીય રાજદૂત સંજય સુધીરે મંદિર નિર્માણ માટે યુએઈના યોગદાનની પણ ભારોભાર પ્રશંસા કરી હતી.
ઉલ્લેખનીય છે કે, 2018માં પીએમ મોદીએ આ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. એ પછી મંદિરનુ ઝડપભેર નિર્માણ ચાલી રહ્યુ છે.