દેશમાં વક્ફ સંશોધિત બિલને સંસદીય ગૃહોએ મંજૂરી આપ્યા પછી રાષ્ટ્રપતિએ મંજૂરીની મહોર મારી છે, ત્યારે આજે કેન્દ્ર સરકારે જાહેર વક્ફ કાયદો લાગુ પાડવાનું નોટિફિકેશન પણ જારી કર્યું હતું. આ કાયદો આજથી દેશમાં લાગુ પડ્યો છે.

કેન્દ્ર સરકારે જાહેર કરેલા નોટિફિકેશન મુજબ આઠમી એપ્રિલથી દેશમાં વક્ફ કાયદો લાગુ પડ્યો છે, ત્યારે કેન્દ્ર સરકારે પણ સુપ્રીમ કોર્ટમાં એક અરજી (કેવિયેટ) કરી છે, જેમાં જણાવ્યું છે કે વક્ફ (સંશોધિત) બિલ 2025ને પડકારનારી અરજીઓ પર કોઈ પણ આંદેશ આપ્યા પૂર્વે અમારી અરજીને સાંભળવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં વિવિધ પાર્ટીના નેતાઓ સંગઠનો અને વ્યક્તિગત મળીને 14 અરજી કરવામાં આવ્યા પછી કેન્દ્ર સરકારે આ પગલું ભર્યું છે. લોકસભા અને રાજ્યસભામાં વિરોધ પક્ષના જોરદાર વિરોધ પછી ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારે બહુમતીથી વક્ફ સંશોધિત ખરડાને સફળતાપૂર્વક પાસ કરાવ્યો હતો. ત્યાર બાદ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ પણ ખરડાને મંજૂરી આપી હતી.
આ બિલને પાસ કરવામાં આવ્યા પછી મુસ્લિમ સંગઠનોએ તેનો વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધને લઈ પશ્ચિમ બંગાળમાં વિરોધ પ્રદર્શનની સાથે હિંસા ફાટી નીકળી હતી. મોટા ભાગના મુસ્લિમ સંગઠનોએ તેનો વિરોધ વ્યક્ત કરીને હવે સુપ્રીમ કોર્ટમાં પણ અરજી કરી છે.
અહીં એ જણાવવાનું કે ગુરુવારે લોકસભામાં 232 સભ્યના વિરોધ વચ્ચે એનડીએની ફેવરમાં 288 સભ્યની બહુમતીથી કેન્દ્ર સરકારે વક્ફ સંશોધિત બિલ પાસ કર્યું હતું. બીજા દિવસે સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં પણ સરકારે બહુમતીથી બિલને પાસ કર્યું હતું. જોકે, કોંગ્રેસની આગેવાની હેઠળના ઈન્ડિ ગઠબંધનના નેતાઓએ બિલનો જોરદાર વિરોધ નોંધાવીને ગેરબંધારણીય ગણાવ્યું હતું.