ઉમરેઠ ખાતે આજે શ્રી સરસ્વતી દ્વારા બાર ગામ પટેલ વાડીમાં શાળાના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સાથે યોજાયો “આનંદ મેળો”. આ આનંદ મેળાની મુખ્ય થીમ હતી ” ગામડું બોલે છે. હાલના સમયમાં ગ્રામ્ય સંસ્કૃતિ ભૂલાઈ રહી છે માટે આપણી પરંપરાઓને જાળવી રાખવા તથા પુરાતન ગ્રામ્ય સંસ્કૃતિને જીવંત રાખવા શ્રી સરસ્વતી વિદ્યાલય પરિવાર દ્વારા આયોજીત આ આનંદ મેળો ખાસ શ્રી રામ જન્મભૂમિ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વાર્ષિક તિથિ પોષ સુદ બારસ (પ્રતિષ્ઠા દ્વાદશી) ના દિવસે યોજવામાં આવ્યો.
આ આનંદ મેળામાં મુખ્ય ઉદ્ઘાટક સ્વરૂપે નિમેશભાઈ પારેખ (મામલતદારશ્રી – ઉમરેઠ), એસ.એચ.બુલાન (પી.આઈ.શ્રી – ઉમરેઠ પોલીસ સ્ટેશન), મિતુલભાઈ ચૌહાણ (એ.ઈ.આઈ.શ્રી – આણંદ), હિમાંશુ ડી.ચોક્સી (પ્રમુખશ્રી, ચોકસી મહાજન – ઉમરેઠ), ભવાનજીભાઈ પટેલ (કેન્દ્રીય સભ્યશ્રી, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન), હાર્દિક પટેલ (પ્રમુખશ્રી, ઉમરેઠ શહેર ભાજપ), નરેન્દ્રસિંડ છાસટીયા (સી.આર.સી.શ્રી, તાલુકા શાળા – ઉમરેઠ), વિજયભાઈ ભટ્ટ (શક્તિ કંગન સ્ટોર્સ – ઉમરેઠ) ઉપરાંત વિદ્યાર્થીઓના વાલીઓ અને શાળાનું ટ્રસ્ટી મંડળ રહ્યું હતું. આનંદ મેળામાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ ખાણીપીણીના સ્ટોલ રખાયા હતા જેના સ્વાદની મઝા સૌ મુલાકાતીઓ એ લીધી.
“ગામડું બોલે છે” થીમ પર આ આનંદ મેળાનો મુખ્ય હેતુ શહેરો તરફ આંધળી દોટ મૂકી રહેલા અને આપણું ગામડું અને ગામડાની સાચી ભારતીય સંસ્કૃતિ તરફ લોકોનું ધ્યાન દોરવાનો હતો. આનંદ મેળામાં શહેરમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને મહત્વની વાત તો એ છે કે આ બધી જ વ્યવસ્થા જાળવવાની જવાબદારી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પોતે જ જોવામાં આવી.