ચૂંટણીમાં વિજયી બનેલા ચીન સમર્થક રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ પોતાના ભાષણમાં પણ આ વાત સાફ કરી હતી. તેમણે કહ્યુ હતુ કે, દેશની ધરતી પરથી વિદેશી સેના હટાવવા માટે મારી સરકાર પ્રતિબધ્ધ છે.
મુઈજ્જુનુ નિશાન ભારત જ છે. કારણકે માલદીવમાં ભારતીય સેનાની એક ટુકડી તૈનાત છે અને હવે મુઈજ્જુ આ સૈનિકોને ગમે ત્યારે દેશ છોડવાનો આદેશ આપી શકે છે. તેમનુ કહેવુ છે કે, દેશની જનતાની ઈચ્છા વિરુધ્ધ માલદીવમાં કોઈ વિદેશી સૈનિકને રહેવા દેવામાં નહીં આવે.
તેમણે કહ્યુ હતુ કે, લોકોએ મને મત જ એટલે આપ્યા છે કે, હું આ દેશની ધરતી પરથી વિદેશી સેનાને હટાવુ. આ માટે મારી કાર્યવાહી શપથવિધિ બાદ તરત શરુ થઈ જશે. લોકો વિદેશી સૈનિકોને પોતાના દેશમાં જોવા ઈચ્છતા નથી. મને જે પણ રાજદૂત મળવા માટે આવશે તેમની સામે પણ હું આ જ શરત મુકવાનો છું. કોઈ દેશની સેના અહીંયા તૈનાત નહીં થાય.
મુઈજ્જુએ ચૂંટણી પ્રચારમાં વાયદો કર્યો હતો કે, હુ રાષ્ટ્રપતિ બનીશ તો માલદીવમાં તૈનાત ભારતીય સૈનિકોને હટાવીશ. ઉપરાંત ભારત સાથેના વેપાર સબંધો સંતુલિક કરીશ.
2018માં માલદીવમાં ચૂંટણી બાદ ભારત સમર્થક મહોમ્મદ સોલિહ રાષ્ટ્રપતિ બન્યા હતા. ત્યારથી વિપક્ષ આક્ષેપ કરી રહ્યો હતો કે, દેશમાં ભારતના સૈનિકોને તૈનાત રાખીને મહોમ્મદ સોલિહે માલદીવને ભારતને સોંપી દીધો છે.
મુઈજ્જુના કહેવા પ્રમાણે દેશની ઈકોનોમી પણ વિદેશી તાકતોની ગુલામ હતી. દેશનુ અડધુ દેવુ તો એક જ દેશને ચુકવવાનુ છે. મારી વિદેશી નીતિ માલદીવ સમર્થક નીતિ રહેશે અને આ નીતિનુ સમર્થન કરનારા બીજા દેશોની સાથે રાજકીય સબંધ રાખવામાં આવશે.