ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (IRDAI)એ હાલમાં જ પોલિસીધારકો માટે સુલભતા પ્રદાન કરતાં અનેક મોટા નિર્ણયો લીધા છે. જેમાં લાઈફ, હેલ્થ અને જનરલ સહિત તમામ પ્રકારના ઈન્સ્યોરન્સ સામેલ છે. નવી હેલ્થ પોલિસી સંબંધિત નવો નિયમ 1 એપ્રિલથી લાગુ થઈ ચૂક્યા છે. ઈન્સ્યોરન્સ કંપનીઓ પાસે નવા નિયમો લાગુ કરવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય હતો.
ઈન્સ્યોરન્સ કંપનીએ એક કલાકની અંદર જ કેશલેસ ઓથોરાઈઝેશનની અરજી મંજૂર કરવી આવશ્યક છે. નવા નિયમો હેઠળ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયાના ત્રણ કલાકની અંદર ફાઈનલ ઓથોરાઈઝએશન મંજૂર કરવુ પડશે.
ઈન્સ્યોરન્સ કંપનીઓ અનુસાર, નવા નિયમો લાગુ થવાથી પ્રીમિયમમાં 10થી 15 ટકાનો વધારો થયો છે. મોટાભાગની કંપનીઓએ આ વર્ષે હેલ્થ પોલિસીના પ્રીમિયમ વધાર્યા છે. નવા નિયમો અંગે સ્ટાર હેલ્થ ઈન્સ્યોરન્સના એમડી અને સીઈઓ આનંદ રોયે કહ્યું કે, IRDAIએ ગ્રાહકોના હિતમાં માસ્ટર સર્ક્યુલર રજૂ કર્યું છે. જેમાં પોલિસીનું કવરેજ અને વેઇટિંગ પિરિયડ અંગેની સ્થિતિ સ્પષ્ટતા કરવામાં આવી છે. IRDAI સ્વાસ્થ્ય ઈન્સ્યોરન્સના સંદર્ભમાં વસ્તુઓને સરળ બનાવી રહ્યું છે. આ માટે પોલિસીધારકોએ થોડી વધારે કિંમત ચૂકવવી પડે છે.
મોરેટોરિયમ સમયગાળો હવે 5 વર્ષનો
અગાઉ હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી પર ક્લેમ કરવા માટે મોરેટોરિયમ પીરિયડ 8 વર્ષનો હતો. IRDAIએ હવે તે ઘટાડીને પાંચ વર્ષનો કર્યો છે. નવા નિયમો અનુસાર, હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસીનું કવરેજ પાંચ વર્ષ માટે છે, ત્યારબાદ ઈન્સ્યોરન્સ કંપની નોન-ડિસ્ક્લોઝર, ખોટી રજૂઆતના આધારે કોઈપણ પોલિસી અથવા ક્લેમ પર કોઈ પ્રશ્ન ઉઠાવી શકશે નહીં. જો કે, છેતરપિંડીના કિસ્સામાં, તે ક્લેમ વિશે પ્રશ્નો પૂછી શકે છે.
આ સંજોગોમાં પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટ
ઘણીવાર એવું જોવામાં આવે છે કે ક્યારેક પોલિસીધારક એક વર્ષમાં કોઈ ક્લેમ ન લે તો ઈન્સ્યોરન્સ કંપનીઓ કોઈપણ વધારાના પ્રીમિયમ વિના ઈન્સ્યોરન્સની રકમ વધારી દે છે. નવા નિયમો અનુસાર કંપનીઓએ પોલિસીધારકને વિકલ્પ આપવો પડશે. આનો અર્થ એ છે કે પોલિસીધારકો તેમની ઈન્સ્યોરન્સની રકમ વધારી શકે છે. અથવા તમે પોલિસી રિન્યુઅલ સમયે પ્રીમિયમમાં ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. આનાથી તે પોલિસીધારકોને ફાયદો થશે જેમને પાછલા વર્ષોમાં થયેલા વધારાને કારણે તેમના પ્રીમિયમ ભરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.