પેટ્રોલ પંપ પર ચોરી કરવા આવેલ ઈસમને પણ ઈજાઓ થઈ હોવાની શંકા
કપડવંજ તાલુકાના પુનાદરા પાટીયા પાસે આવેલ મારુતિ પેટ્રોલ પંપ પર રાત્રિના 2.40 મિનિટના અરસામાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરવાની ઘટના બની છે. પેટ્રોલ પંપની ઓફિસ પર પહોંચી લૂંટ કરવાના ઇરાદે ઓફિસનો દરવાજો તોડતા જ પેટ્રોલ પંપનો કર્મચારીને માથાના ભાગે ઇજાઓ થઈ અને ચોરને પણ ઇજાઓ થઈ હોવાની ચર્ચા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કપડવંજ – ગાંધીનગર માર્ગ પર આવેલા પુનાદરા પાટીયા પાસે ગત મોડી રાત્રે 2.40 મિનિટના અરસામાં મારુતિ પેટ્રોલ પંપની ઓફિસના પાછળના ભાગેથી લૂંટ કરવાના ઈરાદે એક ઈસમ હાથમાં થેલી લઈને આવતો હોવાનું સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે. સૌથી પહેલા ચોર ઈસમે પેટ્રોલ પંપની ઓફિસના પાછળના ભાગે રહેલી લાઈટની મેન સ્વીચ બંધ કરી દીધી અને ત્યાર પછી તે ઓફિસના દરવાજા પર આવી કાચનો દરવાજો તોડે છે દરવાજો તુટતાંની સાથે જ ઓફિસની અંદર ખાટલામાં સુઈ રહેલ સચિન નામના કર્મચારીને માથાના ભાગે ઇજાઓ પહોંચે છે અને તે તુરંત જાગી જાય છે ત્યારે કાચ તૂટવાનો જોરથી અવાજ આવતાની સાથે દરવાજાનો કાચ ચોર ઈસમને પણ વાગ્યો હોવાથી તે તુરંત જ ત્યાંથી ભાગી છૂટે છે, તો બીજી બાજુ પેટ્રોલ પંપનો કર્મચારી પણ નજીકના રહેણાંક મકાનમાં રહેતા સાથી કર્મચારી મિત્રના ઘરે પહોંચી તેને બોલાવવા જાય છે. ઇજાગ્રસ્ત પેટ્રોલ પંપનો કર્મચારી પાછો આવે ત્યાં સુધી તો ચોર ઈસમ ત્યાંથી ભાગી છૂટે છે.
મધ્યરાત્રીના સમયે બનેલી ઘટનાને કારણે પેટ્રોલ પંપની આજુબાજુમાં રહેલા મકાનમાલિકો પણ દોડી આવે છે અને રાત્રિના સમયે તપાસ હાથ ધરી પેટ્રોલ પંપની ઓફિસની પાછળના ભાગે આવેલ છ ફૂટ ઊંચી આરસીસી દિવાલ કૂદીને ભાગી ગયો હોવાનું નિશાન ત્યાંથી મળે છે. પેટ્રોલ પંપથી 500 મીટર દૂર સુધી લોહીના ડાઘ પડેલા જોઈ શકાય છે. તેમજ આરસીસી દિવાલ પાસેથી પણ એક લોખંડનો જાડો સળીયો મળી આવ્યો છે.
સમગ્ર ઘટના અંગે આતરસુંબા પોલીસ મથકને જાણ કરવામાં આવતા આતરસુંબા પોલીસ ઘટના સ્થળે દોડી આવી વહેલી સવારથી તપાસ હાથ ધરી છે. ચોર ઈસમ પોતાની સાથે થેલીમાં એક દોરડું અને ચપ્પુ પણ ઘટના સ્થળેથી મળી આવે છે. તેમજ તપાસ હાથ ધરતા પુનાદરા ગામ તરફના એક ખેતરની મધ્યમાંથી ચોરે પહેરેલા કાળા કલરના કપડા પણ મળી આવ્યા છે. હાલ તો આતરસુંબા પોલીસે એફએસએલ અને ડોગ સ્કોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આતરસુંબા પોલીસ મથકે ઈજાગ્રસ્ત પેટ્રોલ પંપના કર્મચારી સચિન લક્ષ્મણભાઈ પરમારની ફરિયાદ લઈ પોલીસે અજાણ્યા ચોર ઈસમને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે.