ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આઠમી મેના રોજ IPL 2025માં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ રદ કરી દીધી હતી. ત્યારબાદ બીજા દિવસે બીસીસીઆઈએ IPL 2025ની બાકીની મેચ અઠવાડિયા માટે મુલતવી રાખવાની જાહેરાત કરી હતી. હવે 17મી મેથી ફરીથી આઈપીએલ શરૂ થઈ રહી છે, પરંતુ ઘણાં વિદેશી ખેલાડીઓ તેમાં ભાગ લઈ શકશે નહીં. આવી સ્થિતિમાં બીસીસીઆઈએ નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે અને દરેક ટીમને વિદેશી ખેલાડીઓને અસ્થાયી રૂપે રિપ્લેસમેન્ટની મંજૂરી આપી છે.
બીસીસીઆઈએ રિપ્લેસમેન્ટના નિયમો હળવા કર્યા
22મી માર્ચથી શરૂ થયેલી આઈપીએલની 18મી સીઝન ભારતીય બોર્ડે નવી મેના રોજ બંધ કરી દીધી હતી. આવી સ્થિતિમાં મોટાભાગના વિદેશી ખેલાડીઓ પોતપોતાના દેશોમાં પરત ફર્યા હતા.ત્યારબાદ 12મી મેના રોજ બીસીસીઆઈએ બાકીની 17મી મેચો માટે એક નવું શેડ્યૂલ બહાર પાડ્યું, જે હેઠળ ટુર્નામેન્ટ 17મી મેથી ત્રીજી જૂન સુધી ચાલશે. પરંતુ આ સ્થિતિમાં ઘણાં વિદેશી ખેલાડીઓ પાછા ફરવા માટે તૈયાર નથી, જ્યારે ઘણાં અન્ય ખેલાડીઓ તેમની રાષ્ટ્રીય ફરજને કારણે ટુર્નામેન્ટની ઘણી મેચો રમી શકશે નહીં.
BCCIએ હવે બધી ફ્રેન્ચાઇઝીને ખેલાડીઓના રિપ્લેસમેન્ટની મંજૂરી આપી દીધી છે. અહેવાલ અનુસાર, IPLના નિયમોમાં સ્પષ્ટ છે કે 12 મેચ પૂર્ણ થયા પછી જો ખેલાડીઓ ઈજા, બીમારી અથવા અન્ય કોઈ કારણોસર બહાર હોય તો કોઈપણ ટીમ રિપ્લેસમેન્ટ ખેલાડીને સાઇન કરી શકતી નથી. આ સિઝનમાં ઘણી ટીમોએ 12 મેચ રમી છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ વખતે BCCI એ નિયમો હળવા કર્યા છે અને દરેક ટીમને નવા ખેલાડીઓનો સમાવેશ કરવાની મંજૂરી આપી છે.
જો કે, BCCIએ આ નિયમમાં એક મોટી શરત પણ મૂકી છે. હાલની પરિસ્થિતિમાં રિપ્લેસમેન્ટ ખેલાડીઓને અસ્થાયી ગણવામાં આવશે અને તેઓ ફક્ત આ સિઝન માટે જ ટીમનો ભાગ બની શકશે. એટલે કે આ સિઝન રમ્યા પછી તેને આગામી સિઝન માટે જાળવી શકાશે નહીં.