વર્લ્ડ કપને લઈને લોકોમાં ખુબ ઉત્સાહ છે. ખાસ કરીને ભારતે પાકિસ્તાનને હરાવ્યું ત્યારથી. દરેક ભારતીયને આશા છે કે ભારત આ વર્લ્ડ કપ જીતે. આ દરમિયાન વર્લ્ડ કપ મેચોમાં ઓનલાઈન સટ્ટાબાજીની ઘટના પ્રકાશમાં આવી છે. ઈન્દોર પોલીસે આ ઓનલાઈન સટ્ટાબાજીના કૌભાંડમાં એક વ્યક્તિને પકડ્યો છે. ચાલો તમને એ પણ જણાવીએ કે કેવી રીતે આ આખી સટ્ટાબાજીની રમત ચાલી રહી છે.
ચાલી રહેલી વર્લ્ડ કપ મેચ પર ઓનલાઈન સટ્ટાબાજીનો ખુલાસો કરતા ઈન્દોર પોલીસે 40 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી છે અને તેની પાસેથી 23 લાખ રૂપિયાની રોકડ અને 1.25 કિલો વજનની સોનાની ગીનીઓ જપ્ત કરી છે. એક પોલીસ અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી. એડિશનલ ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ અભિનય વિશ્વકર્માએ જણાવ્યું હતું કે પોલીસની એન્ટી ક્રાઈમ બ્રાન્ચની મદદથી હાથ ધરવામાં આવેલા સંયુક્ત દરોડા દરમિયાન દ્વારકાપુરી વિસ્તારમાંથી સોમવારે રાત્રે ધરપકડ કરાયેલ આરોપીની ઓળખ વિશાલ મહેતા તરીકે થઈ છે.
સટ્ટાબાજીનો કારોબાર 3 લાખ કરોડથી વધુ છે
સટ્ટાબાજીની આ આખી રમત જોશો તો તમારૂ મન વિચલીત થઇ જશે. ઇન્ડસ્ટ્રી બોડી FICCI અનુસાર, સટ્ટાબાજીની આ બ્લેક ગેમ 3 લાખ કરોડ રૂપિયાથી વધુની છે. નિષ્ણાતોના મતે સટ્ટાબાજીની આ ખેલને લીગલ કરી દેવો જોઇએ . તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ જેવા દેશોમાં ક્રિકેટ સટ્ટો કાયદેસર છે. ખાસ વાત એ છે કે વેસ્ટ ઈન્ડિઝ સિવાય બાકીના તમામ દેશો વર્લ્ડ કપ રમી રહ્યા છે. એવું નથી કે ભારતમાં સટ્ટાબાજીને લઈને વહીવટીતંત્ર કડક નથી. 2015માં IPLની આઠમી સિઝન દરમિયાન EDએ અમદાવાદ બ્રાન્ચમાંથી 2000 કરોડ રૂપિયાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો.
આ રીતે સટ્ટાબાજીની રમત ચાલતી હતી
તાજેતરના કેસમાં, પોલીસના જણાવ્યા અનુસાર, જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે, આ વ્યક્તિ પોતાના ઘરેથી ઓનલાઈન સટ્ટાબાજી કરતો હતો. આ માટે તે એક વ્યક્તિ પાસેથી આઈડી અને પાસવર્ડ લેતો હતો. આ વ્યક્તિ યુએઈના મોબાઈલ નંબર પરથી વોટ્સએપ વોઈસ કોલ દ્વારા મહેતા સાથે વાત કરતો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે વર્લ્ડ કપ મેચો પર એક ઓનલાઈન સટ્ટાબાજીની ગેંગ ખૂબ જ સંગઠિત રીતે ચલાવવામાં આવી રહી છે, જેની કડીઓ વિદેશ સાથે જોડાયેલી હોઈ શકે છે. પોલીસને શંકા છે કે મહેતાના કબજામાંથી મળી આવેલ 1.25 કિલો સોનું વિદેશથી ભારતમાં દાણચોરી કરીને લાવવામાં આવ્યું છે. હવે પોલીસ આ મામલાની માહિતી ડીઆરઆઈ અને આવકવેરા વિભાગને આપવા જઈ રહી છે.