નડિયાદ પોલીસ અઘીક્ષકની કચેરીમાં એલ.આઇ.બી શાખામાં ફરજ બજાવતો ASI રૂપિયા 5 લાખની લાંચ લેતા રંગેહાથે ACBના છટકામાં આવી ગયા છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ લાંચીયા પોલીસકર્મી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ પોલીસ અધીક્ષકની કચેરીમાં એલ.આઇ.બી. શાખામાં ફરજ બજાવતો અનાર્મ એ.એસ.આઇ ભરતગીરી ઈશ્વરગીરી ગૌસવામી તા. ૦૮/૦૮/૨૦૨૪ ના ગુરૂવારે રૂપિયા 5 લાખની લાંચ લેતા પકડાયો. અમેરિકામાં વસતા ફરિયાદીના દીકરાનો પાસપોર્ટ ગુમ થયો હતો માટે નવો પાસપોર્ટ કઢાવવા ભારતીય એમ્બેસીમાં અરજી કરેલ હતી. અમેરિકાની ભારતીય એમ્બેસીમાંથી અહી ભારતમાં ‘પોલીસ ક્લિયરન્સ સર્ટીફિકેટ’ અંગે ઈન્કવાયરી આવેલ હોઇ તે અંગેનું સર્ટીફિકેટ ફરિયાદીના દીકરાની તરફેણમાં આપવા માટે આ પોલીસકર્મી ભરતગીરી ઈશ્વરગીરી ગૌસવામી આક્ષેપિતે, ફરિયાદી પાસે પ્રથમ રૂપિયા 40 લાખની માંગણી કરી હતી. જોકે રકઝકના અંતે રૂપિયા 5 લાખમાં સોદો નક્કી થયો હતો. પરંતુ ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા નહોતા માટે અમદાવાદ એસીબીનો સંપર્ક કર્યો હતો.
દરમિયાન એસીબી પોલીસે આજે ગુરુવારે આ લાંચનુ છટકું ગોઠવ્યું હતું. જેમાં ASI ભરતગીરીને ઉત્તરસંડા લાલના કુવા પાસે, સ્ટેશન રોડથી આ લાંચની રકમ રૂપિયા 5 લાખ સ્વિકારતા રંગેહાથે ઝડપી લીધા હતા. એસીબી પોલીસે રૂપિયા 5 લાખની રકમ રીકવર કરી આરોપી વિરુદ્ધ પુરાવા સાથે લાંચનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.