ભરૂચ જિલ્લાના સાયખા GIDC વિસ્તારમાં આવેલી વિશાલકર ફાર્મા કંપનીમાં બુધવારે થયેલા વિસ્ફોટ અને ભીષણ આગના બનાવે હાહાકાર મચાવી દીધો. ભારે ધડાકા સાથે થયેલા આ વિસ્ફોટ બાદ આખો પ્લાન્ટ આગની જપેટમાં આવી ગયો અને થોડા જ મિનિટોમાં સમગ્ર ફેક્ટરી કાટમાળમાં ફેરવાઈ ગઈ.
વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસ આવેલી અન્ય કંપનીઓના શેડ અને પતરાં ઉડી ગયા, અને નજીકમાં પાર્ક કરાયેલું ટેન્કર પણ આગમાં સળગી ગયું. ફેક્ટરીમાં જ્વલનશીલ રસાયણો હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની અનેક ટીમો ઘટના સ્થળે દોડી આવી અને આગ પર કાબૂ મેળવવા માટે લાંબી મહેનત બાદ પાણીના મારાથી આગ બુઝાવવાની કાર્યવાહી હાથ ધરાઈ.
આગ બુઝાવ્યા બાદ કાટમાળ ખસેડવાની કામગીરી દરમિયાન બે મજૂરોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે હજુ બે મજૂરો ગુમ હોવાનું સામે આવ્યું છે. બચાવ ટીમો ગુમ મજૂરોની શોધખોળમાં લાગી ગઈ છે. પ્રાથમિક તપાસ મુજબ વિસ્ફોટનું કારણ ફેક્ટરીમાં ચાલતી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થયેલ રિએક્શન હોવાનું માનવામાં આવે છે.
સાયખા ગામના સરપંચે આ બનાવ અંગે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે, ઘણા ઉદ્યોગો પરવાનગી કરતાં અલગ ઉત્પાદન કરે છે, પરંતુ તંત્ર આંખ આડા કાન કરે છે. આ બેદરકારીને કારણે આવા દુર્ઘટનાત્મક બનાવો વારંવાર બનતા રહે છે.
જીપીસીબી (ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ)ના અધિકારી સુનિલ પટેલે જણાવ્યું કે સ્થળ પરથી સેમ્પલ લઈ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ફાયર વિભાગ, પોલીસ અને જીપીસીબીની સંયુક્ત ટીમો દ્વારા ફેક્ટરીના દસ્તાવેજો અને સલામતી ધોરણોની પણ તપાસ હાથ ધરાઈ રહી છે.
આ બનાવને કારણે સાયખા GIDC વિસ્તાર ફરી એકવાર ઉદ્યોગિક સલામતીના પ્રશ્નોને લઈને ચર્ચામાં આવી ગયો છે, જ્યાં છેલ્લા કેટલાક વર્ષોમાં આવા અનેક વિસ્ફોટ અને આગના બનાવો થઈ ચૂક્યા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel