ભારતીય વૈજ્ઞાનિકોએ TOI-6038 A b નામનો એક નવો ગ્રહ શોધ્યો છે, જે ગેસ જાયન્ટ છે અને F-પ્રકારના તારાને પરિભ્રમણ કરે છે. આ ગ્રહનું દળ 0.247 ગુરુ (જ્યુપિટર) જેટલું છે અને તે તેના તારાને 5.8 દિવસમાં એક પરિભ્રમણ પૂર્ણ કરે છે. તેની ત્રિજ્યા 0.572 ગુરુ જેટલી છે.
TOI-6038 A b ગ્રહ તેની તારા TOI-6038 A થી 0.069 એ.યુ. (ખગોળીય એકમ)ના અંતરે સ્થિત છે, જે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતર કરતા ઘણું ઓછું છે. આ શોધ 2025માં જાહેર કરવામાં આવી હતી.
આ શોધ ભારતના અંતરિક્ષ વૈજ્ઞાનિકોની મહત્વપૂર્ણ સિદ્ધિ છે, જે સૌરમંડળની બહારના ગ્રહોના અભ્યાસમાં દેશના યોગદાનને વધુ મજબૂત બનાવે છે.
કેવી રીતે થઈ શોધ?
આ ગ્રહને અમદાવાદ સ્થિત ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL)ના વૈજ્ઞાનિકોની ટીમે શોધી કાઢ્યો છે. આ શોધ માઉન્ટ આબુ ઓબ્ઝર્વેટરીમાં કરવામાં આવી હતી, અહીયા 2.5 મીટર ટેલિસ્કોપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિકોને આ ગ્રહમાં વિશાળ ખડકાળ હિસ્સો હોવાના સંકેતો મળ્યા છે. આ ગ્રહ ધાતુથી સમૃદ્ધ F- ટાઇપના તારાની પરિક્રમા કરે છે. તેની ભ્રમણકક્ષા લગભગ ગોળાકાર છે અને તે તેના તારાની આસપાસ 5.83 દિવસમાં એક પરિક્રમા પૂર્ણ કરે છે.
Simulated the TOI-6038 Binary System with the exoplanet TOI-6038A b discovered by Indian Scientists at PRL in Universe Sandbox 2. https://t.co/uK9WTOMKNf pic.twitter.com/MEeYlsxwgX
— Indian Space Post (@indianspacepost) February 13, 2025
F-પ્રકારના તારાઓ G-પ્રકારના તારાઓ કરતાં વધુ ગરમ અને તેજસ્વી હોય છે, પરંતુ તેઓ A-પ્રકારના (ગરમ) અને G-પ્રકારના (સૂર્ય જેવા) તારાઓની વચ્ચેના તાપમાન ધરાવે છે. F-પ્રકારના તારાઓનું સપાટી તાપમાન લગભગ 6,000 K થી 7,500 K સુધી હોય છે, જે S-type (સૂર્ય જેવા) તારાઓ કરતાં વધુ ગરમ છે. આ તારાઓની ચમક S-type તારાઓ કરતાં 1.5 થી 5 ગણી વધારે હોય છે.
TOI-6038A b શા માટે છે ખાસ ?
આ ગ્રહ નેપ્ચ્યુન જેવા ગ્રહો અને ગેસ જાયન્ટ ગ્રહો (જેમ કે શનિ અને ગુરુ) વચ્ચેના પ્રકારમાં આવે છે. તેને “સબ સેટર્ન” કહેવામાં આવે છે. આપણા સૌરમંડળમાં આવો કોઈ ગ્રહ જોવા નથી મળતો. આથી ગ્રહોના નિર્માણ અને તેમન વિકાસને સમજવા માટે આ ગ્રહ એક મહત્વપૂર્ણ શોધ માનવામાં આવે છે.
ઇસરોએ તેની સત્તાવાર જાહેરાતમાં જણાવ્યું છે કે આ શોધ માઉન્ટ આબુમાં ગુરુશિખર ઓબ્ઝર્વેટરીમાં આવેલ 2.5 મીટર ટેલિસ્કોપ અને PARAS-2 સ્પેક્ટ્રોગ્રાફની મદદથી કરવામાં આવી હતી. આ શોધની સંપૂર્ણ વિગતો પ્રતિષ્ઠિત એસ્ટ્રોનોમિકલ જર્નલમાં પબ્લિસ કરવામાં આવી છે.