સંસદના શિયાળુ સત્રના પ્રથમ અઠવાડિયાના છેલ્લા દિવસે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) એ વક્ફ બિલ અંગે તેનો રિપોર્ટ રજૂ કરવાનો હતો. શિયાળુ સત્રના એજન્ડામાં પણ આ મુદ્દો સામેલ હતો. જોકે જેપીસીમાં સામેલ વિપક્ષના સાંસદો કાર્યકાળ આગળ વધારવાની માગ કરી રહ્યા હતા.
સમિતિનો પ્રસ્તાવ મંજૂર
પરંતુ આ સમિતિનું નેતૃત્વ કરનારા ભાજપના સાંસદ જગદંબિકા પાલે દાવો કર્યો હતો કે તેમનો રિપોર્ટ તૈયાર છે. જોકે જેપીસીનો રિપોર્ટ ગૃહમાં રજૂ થાય તેના એક દિવસ પહેલા જ જેપીસીનો કાર્યકાળ વધારવાનો પ્રસ્તાવ મંજૂર કરી લેવામાં આવ્યો છે. જેપીસી પ્રમુખ પાલે વધુ સમયની માગ કરતા કાર્યકાળ વધારવા સંબંધિત પ્રસ્તાવ લોકસભામાં રજૂ કર્યો હતો જેને પસાર કરી દેવામાં આવ્યો હતો.
હવે આવતીકાલે નહીં પણ વક્ફ બિલ આગામી બજેટ સત્ર 2025ના છેલ્લા દિવસે પોતાનો રિપોર્ટ ગૃહમાં રજૂ કરશે. વિપક્ષના હોબાળા વચ્ચે વક્ફ બિલ માટે રચાયેલી જેપીસીનો કાર્યકાળ વધારવા સંબંધિત પ્રસ્તાવ પાસ થયા બાદ લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ વિપક્ષના વ્યવહારની ટીકા કરી હતી.