તાજેતરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક કલાક લાંબી પ્રેસ કૉન્ફરન્સ કરીને દેશની ચૂંટણી પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિ થતી હોવાનો આરોપ મૂક્યો હતો અને ચૂંટણી પંચ ભાજપ સાથે મળીને કામ કરે છે એવું દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપે હવે આ મુદ્દે પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે રાહુલ ગાંધીએ જે ‘ખામીઓ’ બતાવી હતી, તે વહીવટી ભૂલો અને વર્ષોથી ચાલતી આવતી સિસ્ટમેટિક લૂપહોલ્સ છે, પણ તેમને માત્ર ભાજપને નિશાન બનાવતા રજૂ કરવામાં આવી છે. ભાજપનું કહેવું છે કે આવા કિસ્સા ઘણા નેતાઓની બેઠકો પર જોવા મળે છે અને આ ગેરરીતિઓ દૂર કરવા માટે જ SIR (Special Intensive Revision) પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
બુધવારે (13 ઑગસ્ટ) ભાજપે પ્રેસ કૉન્ફરન્સ કરીને રાહુલ ગાંધી સહિત INDI ગઠબંધનના મુખ્ય નેતાઓની બેઠકો પર મતદાર યાદીમાં ગોટાળાની વિગતવાર જાણકારી આપી. અનુરાગ ઠાકુરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ‘પ્રોપેગન્ડા કિંગ’ કહીને નિશાન બનાવ્યું અને કહ્યું કે તેઓના નેતૃત્વ હેઠળ કોંગ્રેસ 90 ચૂંટણીઓ હારી ચૂકી છે. ભાજપે આરોપ મૂક્યો કે ચૂંટણી પહેલાં મુદ્દાઓના અભાવે કોંગ્રેસ અને તેના સાથીઓ ચૂંટણી પ્રક્રિયાને બદનામ કરવા માટે જૂના લૂપહોલ્સને રાજકીય હથિયાર તરીકે વાપરી રહ્યા છે.
વાયનાડ બેઠક: રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
કેરળની વાયનાડ બેઠક પરથી રાહુલ ગાંધી લોકસભા ચૂંટણી લડ્યા હતા. ત્યારબાદ રાયબરેલી બેઠક પરથી પણ ફોર્મ ભર્યું. બંને બેઠકો જીત્યા બાદ વાયનાડ સીટ ખાલી કરી નાખી અને ત્યાંથી તેમનાં બહેન પ્રિયંકા ગાંધી પેટાચૂંટણી લડીને સંસદમાં પહોંચ્યાં.
ભાજપનું કહેવું છે કે આ બેઠક પર 20,438 ડુપ્લીકેટ વૉટરો હોવાનું માલૂમ પડ્યું છે. 17,450 મતદારો એવા છે, જેમનાં સરનામાં ફર્જી છે. 51,365 મતદારો એવા છે, જેમને બલ્કમાં એડ કરવામાં આવ્યા હતા. 4,246 કેસ એવા મળ્યા છે, જેમાં એક જ નાના સરનામે વિવિધ ધાર્મિક સમુદાયોની નોંધણી કરવામાં આવી હોય.
રાયબરેલી બેઠક: રાહુલ ગાંધી
રિપોર્ટ અનુસાર, અહીં 19,512 ડુપ્લીકેટ વૉટરો છે, 71,977ના ફેક એડ્રેસ હોવાનું જાણવા મળ્યું છે. 15,853 મિક્સ્ડ હાઉસહોલ્ડ છે અને 92,747ની એન્ટ્રી એકસાથે કરવામાં આવી હતી.
યાદીમાં એક મોહમ્મદ કૈફ ખાન નામના શખ્સનો કેસ ટાંકવામાં આવ્યો છે. જે રાયબરેલી વિધાનસભામાં બૂથ 83માં પણ છે, 151માં પણ અને 218માં પણ છે. ત્રણ બૂથમાં તેના નામની એન્ટ્રી જોવા મળે છે. 47 વૉટર આઇડી એવી હતી, જે 131મા બૂથના ઘર નંબર 198માં નોંધવામાં આવી હતી. જ્યારે રાયબરેલીની જે હરચંદપુર વિધાનસભાના બૂથ 292ના ઘર નંબર 7માં વિવિધ સમુદાયોના મત નોંધવામાં આવ્યા છે.
અબ્દુલ હક, સદ્દામ વગેરે અમુક એવાં નામો છે, જેમની મતદાર યાદીમાં નોંધણી 85 વર્ષે અને 91 વર્ષે કરવામાં આવી હતી. મોહમ્મદ યાકુબનું પહેલી વખત નામ 92 વર્ષે કરવામાં આવ્યું. આ ડેટા સાથે તમામના EPIC નંબર પણ આપવામાં આવ્યા છે.
ભાજપે આરોપ લગાવ્યો કે તપાસમાં 52000થી વધુ ફેક બર્થ સર્ટિફિકેટ મળ્યાં છે, જે બોગસ એડ્રેસ પર બન્યાં હતાં. પુરાવાથી જાણવા મળ્યું કે આ ફેક આઇડેન્ટિટી ભવિષ્યમાં એક વૉટર બેઝ બનાવવા માટે ઊભી કરવામાં આવી રહી હતી. પ્રશ્ન કરવામાં આવ્યો છે કે શું રાયબરેલીમાં વૉટ ચોરી બાદ રાહુલ ગાંધી રાજીનામું આપશે?
ડાયમંડ હાર્બર: અભિષેક બેનર્જી (TMC)
ભાજપનું કહેવું છે કે આ બેઠક પર કુલ 3,613 ડુપ્લીકેટ વૉટરો છે. 1,55,365 મતદારો એવા છે, જેમનાં સરનામાં ફેક છે. 290 મતદારો ખોટા સંબંધીવાળા પણ નીકળ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું. અહીં 56 હજારથી વધુ લોકોને એકસાથે જોડવામાં આવ્યા હતા.
આમાં એક ખુર્શીદ આલમનો કેસ ટાંકવામાં આવ્યો છે. જે અનુસાર, ડાયમંડ હાર્બર વિધાનસભાના બૂથ 119ની મતદાર યાદીમાં તેના પિતાનું નામ બદલાતું રહ્યું છે. સાથે જણાવવામાં આવ્યું કે, બંગાળમાં ઘૂસણખોરોની એ મોડસ ઓપરેન્ડી રહી છે કે તેઓ વાલીવારસનાં ખોટાં નામોનાં આધારે મતદાર યાદીમાં પ્રવેશ મેળવ્યા બાદ સમયાંતરે બદલી નાખે છે.
ડાયમંડ હાર્બરમાં પણ મિક્સ્ડ હાઉસહોલ્ડની સંખ્યા અત્યંત વધારે છે, જ્યાં એક જ સરનામે વિવિધ સમુદાયોની નોંધણી કરવામાં આવી હોય. ઉપરાંત, અહીં પણ મોટી ઉંમરે મતદાર યાદીમાં નોંધણી કરાવવામાં આવી હોય તેવા કેસ જોવા મળ્યા છે.
ભાજપે ડાબેરી પક્ષો અને TMC પર રાજકીય લાભ ખાટવા માટે ગેરકાયદેસર ઘૂસણખોરીને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે અને કહ્યું કે, તેનાથી થતા ડેમોગ્રાફિક ચેન્જના કારણે બંગાળ, બંગાળીઓ અને બંગાળી અસ્મિતાને ભારે નુકસાન થયું છે.
કન્નૌજ: અખિલેશ યાદવ
અહીં 16,163 ડુપ્લીકેટ વૉટરો હોવાનું ભાજપનું કહેવું છે. 1,53,919 મતદારો ખોટાં સરનામાંવાળા છે. કુલ સાંકળો માંડીએ તો શંકાસ્પદ મતદારોની સંખ્યા 2,91,798 પર પહોંચે છે અને અખિલેશ યાદવ 1 લાખ 70 હજાર 922 મતથી જીત્યા હતા.
બહુ મોટી ઉંમરે મતદાર તરીકે નોંધણી કરવામાં આવી હોય તેવા કેસો પણ ઠીકઠાક પ્રમાણમાં મળી આવ્યા છે. જેમકે, રોઝી બેગમની નોંધણી 120 વર્ષે કરવામાં આવી હતી. મુફીદ નામની એક વ્યક્તિની નોંધણી 107 વર્ષે થઈ.
મૈનપુરી: ડિમ્પલ યાદવ
ડેટા જણાવે છે કે, અહીં કુલ 2,55,914 શંકાસ્પદ મતદારો છે. ડિમ્પલ યાદવ ચૂંટણી 2,21,639ના માર્જિનથી જીત્યાં હતાં. 1, 76 હજાર મતદારો એવા છે, જેમનાં સરનામાં ફેક હોવાનું જાણવા મળ્યું છે. 49,532ની એન્ટ્રી એકસાથે કરવામાં આવી હતી. એક જ સરનામે વિવિધ સમુદાયોની એન્ટ્રી કરવામાં આવી હોવાના કિસ્સા આ બેઠક પર પણ બન્યા છે.
કોલાતુર: એમકે સ્ટાલિન
તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન જ્યાંથી ચૂંટણી લડે છે ત્યાં પણ 19 હજાર શંકાસ્પદ મતદારો હોવાનું ધ્યાને આવ્યું છે. ઘણા મતદારો એવા નીકળ્યા, જેઓ એક કરતાં વધુ વખત જુદા-જુદા EPIC નંબર સાથે નોંધાયેલા હોય. ફેક એડ્રેસવાળાઓની સંખ્યા 9 હજાર કરતાં વધુ છે. જ્યારે 4 હજારથી વધુ ડુપ્લીકેટ વૉટરો હોવાનું જાણવા મળ્યું.
ભાજપે આ તમામ ડેટા આપીને પ્રશ્ન કર્યો છે કે બેવડાં ધોરણો ધરાવતા વિપક્ષી નેતાઓ શું આ ગેરરીતિ બદલ પોતપોતાની બેઠક પરથી રાજીનામું આપશે કે કેમ? આગળ કહ્યું કે, તેઓ ભાજપ પર ‘વૉટ ચોરી’ના આરોપ લગાવે છે, પણ પોતે મતદાર યાદીઓમાં ગોટાળા કરીને જ ચૂંટણી જીત્યા છે. સાથે ભાજપે કોંગ્રેસ અને વિપક્ષો પર આ ભૂલો અને ખામીઓને સુધારવા માટે હાથ ધરવામાં આવેલી SIR પ્રક્રિયાનો વિરોધ કરવાનો પણ આરોપ લગાવ્યો અને કહ્યું કે તેમને ડર છે કે તેમની ઘૂસણખોર વૉટબેન્કને તેનાથી અસર થશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat
🔗 https://www.youtube.com/@oneindianewscom