સુરતમાં છેલ્લા બે દિવસ સુધી ચાલેલા હાઈ વોલ્ટજ રાજકીય ડ્રામાનો અંત આવ્યો છે. સુરત લોકસભા બેઠક પર ભાજપનાં ઉમેદવારની બિનહરીફ જીત થઈ છે. મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થતાં તમામ ભાજપના અગ્રણીઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે.
સુરત લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી મુકેશભાઇ દલાલને બિનહરીફ ચૂંટાવા બદલ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ.
લોકસભા ચૂંટણીમાં ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીના ઐતિહાસિક વિજયની આ શરૂઆત છે. ગુજરાતમાં તમામ 26 બેઠકો પર ભાજપાના પ્રચંડ વિજય સાથે કમળ ખીલવાનો અને માનનીય મોદીજીના…
— Bhupendra Patel (Modi Ka Parivar) (@Bhupendrapbjp) April 22, 2024
સુરતના કલેક્ટરે આપ્યું સર્ટિફિકેટ
ભાજપના ઉમેદવારને કલેકટરે જીતનું સર્ટિફિકેટ આપ્યું છે. અત્રે જણાવીએ કે, ચૂંટણી વગર ભાજપના મુકેશ દલાલ વિજયી બન્યા છે, ત્યારે CM ભૂપેન્દ્ર પટેલે મુકેશ દલાલને શુભેચ્છાઓ પાઠવી છે. તો બીજી તરફ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પત્રકાર પરિષદ યોજી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી
સી આર પાટીલનું નિવેદન
ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું કે, મુકેશ દલાલનો દેશના વિકાસમાં મોટો ફાળો રહેશે. ચૂંટણી પહેલા કોંગ્રેસે ડ્રામા કર્યો છે. તમામ ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચતા મુકેશ દલાલ બિનહરીફ વિજેતા થયા છે. વહીવટી તંત્ર ઉપર દબાણ લાવવા કોંગ્રેસે પ્રયાસ કર્યો છે. આજે સત્ય બહાર આવ્યું છે. તેમણે ઉમેર્યું કે, 400 પારના લક્ષ્યાંકમાં સુરત બેઠકની પહેલ છે.
‘સાતની સમજાવટ બની જીતની સજાવટ’
કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતાં સાત જેટલા ઉમેદવારો મેદાને હતા. જ્યારે જે તમામ અપક્ષ સહિતના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવાર બિનહરિફ જાહેર કરવામાં આવ્યા છે.
સુરતમાં કોણે કોણે ફોર્મ પરત ખેંચ્યા?
શોહેલ શેખ, લોગ પાર્ટી
જયેશ મેવાડા, ગ્લોબલ રિપબ્લીક પાર્ટી
પ્યારેલાલ ભારતી, BSP
ભરત પ્રજાપતિ, અપક્ષ
અજીતસિંહ ઉમટ, અપક્ષ
રમેશ બારૈયા, અપક્ષ
કિશોર ડાયાણી, અપક્ષ
જાણો સમગ્ર રાજકીય ડ્રામા
ઘટના અંગે જો વિસ્તારથી વાત કરવામાં આવે તો નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે, આ અમારી સિગ્નેચર નથી. જેને લઈને ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો. બીજી તરફ કુંભાણીએ ટેકેદારોનું અપહરણ થયું છે એ પણ જણાવ્યું હતું. ત્યારે આ મામલે ગઈકાલે નિલેશ કુંભાણીના 3 ‘ગાયબ’ ટેકેદારો માટે HCમાં હેબિયસ કોર્પસ અને કલેક્ટરમાં ઉમેદવારી પત્ર રદના વિરોધમાં ત્રણ અરજી આપી હતી. ઉમેદવારી પત્ર રદના વિરોધમાં કલેક્ટર સમક્ષ સુનાવણી થઈ હતી. આ સુનાવણી બાદ આખરે સુરત કલેક્ટર અને ચૂંટણી અધિકારીએ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે. ત્યારે બાદ અન્ય પક્ષ સહિત અપક્ષના સાત જેટલા ઉમેદવારો મેદાને હતા, જેઓએ તેમના ફોર્મ પરત ખેંચતા આખરે ભાજપની બિન હરીફ જીત થઈ છે.