અમદાવાદમાં આજથી ક્રિકેટ વર્લ્ડ કપ 2023નો પ્રાંરભ થઈ રહ્યો છે જેમાં પહેલી મેચમાં ગત વર્ષની ફાઈનલિસ્ટ ટીમ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે ત્યારે ક્રિકેટ વર્લ્ડ કપ 2023ના બ્રાન્ડ એમ્બેસેડર સચિન તેંડુલકર અમદાવાદમાં પહોંચી ગયા છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સચિન તેંડુલકરને ગોલ્ડન ટિકિટ આપી
ક્રિકેટ વર્લ્ડ કપ 2023 શરુ થવાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ભારતના પૂર્વ બેટ્સમેન અને ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર વર્લ્ડ કપ 2023ના ઓપનીંગ મેચ માટે અમદાવાદ પહોંચી ગયા છે અને તેની સાથે ચાહકોએ સેલ્ફી પણ ખેંચાવી છે. ઉલ્લેખનીય છે કે ICC એ મંગળવારે અમદાવાદમાં આજથી શરૂ થઈ રહેલા મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 માટે સચિન તેંડુલકરને ‘ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર’ તરીકે નિયુક્ત કર્યા છે. આ પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ભારતના આઈકોન્સને ખાસ ટિકિટ આપી છે. તેનું નામ ‘ગોલ્ડન ટિકિટ ફોર ઈન્ડિયા આઈકોન્સ’ રાખવામાં આવ્યુ છે. જેના હેઠળ સચિન તેંડુલકરને પણ આ ગોલ્ડન ટિકિટ આપવામાં આવી છે.
વર્લ્ડ કપના 46 દિવસમાં 48 મેચો રમાશે
છેલ્લા કેટલાય દિવસોથી ક્રિકેટ પ્રેમીઓ વર્લ્ડ કપની રાહ જોઈ રહ્યા છે તેનો આજથી પ્રારંભ થશે અને આ સાથે આ 46 દિવસ સુધી ક્રિકેટ પ્રત્યેનો તેમનો જુસ્સો ચરમસીમાએ રહેશે. આ 46 દિવસ ચાલનારા વર્લ્ડ કપમાં ભારતના 10 શહેરોમાં 10 ટીમો વચ્ચે 48 મેચો રમાશે જેમાં એક ટીમ ચેમ્પિયન બનશે. વર્ષ 1975માં ઈંગ્લેન્ડમાં ક્રિકેટ વર્લ્ડ કપની શરુઆત થઈ ત્યારથી 2007ના વર્લ્ડ કપ સુધી કોઈ યજમાન દેશ વર્લ્ડ ચેમ્પિયન બની ન હતી. જો કે આ વલણ ભારતે તોડીને 2011માં 28 વર્ષ બાદ વિશ્વ ચેમ્પિયન બની હતી. ત્યારથી લઈને 2019ના છેલ્લા વર્લ્ડ કપ સુધી માત્ર યજમાન દેશને જ વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સન્માન મળી રહ્યું છે. આ વર્ષે ભારત યજમાની કરી રહ્યું છે એટલે ભારતને ચેમ્પિયન બનવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યું છે જો કે આ માટે ભારત સામે ઘણા પડકાર છે.