ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલમ 143 (1) હેઠળ સુપ્રીમ કોર્ટની સલાહ માંગી છે કે, શું રાજ્ય વિધાનસભાઓ દ્વારા પસાર કરાયેલા બિલો પર નિર્ણય લેવા માટે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલો માટે નિર્ધારિત સમય મર્યાદા દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા નક્કી કરી શકાય છે. નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે 8 એપ્રિલના રોજ પોતાના ઐતિહાસિક ચુકાદામાં કહ્યું હતું કે, રાજ્યપાલ દ્વારા રાષ્ટ્રપતિને મોકલવામાં આવેલા બિલોનો નિકાલ રાષ્ટ્રપતિ દ્વારા 3 મહિનાની અંદર કરવાના રહેશે, ત્યારબાદ આ પગલું લેવામાં આવ્યું છે.
શું છે આ કલમ 143 (1)?
બંધારણના અનુચ્છેદ 143 (1) હેઠળ, રાષ્ટ્રપતિ કોઈપણ કાનૂની મુદ્દા પર સુપ્રીમ કોર્ટ પાસેથી સલાહ લઈ શકે છે. આ અભિપ્રાય બંધનકર્તા નથી, પરંતુ તેનું બંધારણીય મહત્વ ખૂબ જ છે. આ સલાહ બંધારણની કલમ 145(3) હેઠળ પાંચ ન્યાયાધીશોની બેન્ચ દ્વારા સુપ્રીમ કોર્ટને આપવામાં આવી છે. રાષ્ટ્રપતિએ 13 મેના રોજ આ સંદર્ભ મોકલ્યો હતો અને તેમાં કુલ 14 કાનૂની પ્રશ્નો છે.
શું સુપ્રીમ કોર્ટે અગાઉ પણ પોતાનો અભિપ્રાય આપવાનો ઇનકાર કર્યો છે?
સુપ્રીમ કોર્ટે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે, કલમ 143નો ઉપયોગ પહેલાથી આપેલા ચુકાદાની સમીક્ષા કરવા અથવા તેને ઉલટાવી શકાય નહીં. 1991 માં કાવેરી જળ વિવાદ પર કોર્ટે કહ્યું હતું કે, નિર્ણય આપ્યા પછી તે જ મુદ્દા પર રાષ્ટ્રપતિનો અભિપ્રાય માંગવો એ ન્યાયતંત્રની ગરિમાની વિરુદ્ધ છે. જો સરકાર ઇચ્છે તો તે સમીક્ષા અરજી અથવા ઉપચારાત્મક અરજી દાખલ કરી શકે છે, જે ન્યાયિક પ્રક્રિયાનો એક ભાગ છે.
ન્યાયતંત્ર વિરુદ્ધ કારોબારી યુદ્ધ
આ સમગ્ર મુદ્દો એવી પરિસ્થિતિઓમાંથી ઉદ્ભવે છે જ્યારે રાજ્યપાલો વિપક્ષ શાસિત રાજ્યોના બિલોને પેન્ડિંગ રાખે છે અથવા નકારી કાઢે છે. તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિએ રાષ્ટ્રપતિને 10 બિલ મોકલ્યા હતા. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી કે, આ કેન્દ્ર-રાજ્ય સંબંધોને સંતુલિત કરવાનો મુદ્દો છે અને સમય મર્યાદા જરૂરી છે. રાષ્ટ્રપતિને નિર્દેશ મળ્યા પછી સરકારને લાગ્યું કે, આ એક બંધારણીય અસંતુલન છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને આર વેંકટરામણીએ પણ તેને કારોબારીની ગરિમાની વિરુદ્ધ ગણાવ્યું.