મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ નડિયાદ પહોંચીને સરદાર સાહેબના જન્મ સ્થળની મુલાકાતથી તેમના કાર્યક્રમોની શરૂઆત કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રીએ હિન્દુ અનાથ આશ્રમની મુલાકાત લીધી હતી.
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હિન્દુ અનાથ આશ્રમના પ્રમુખ દિનશા પટેલ અને ટ્રસ્ટીઓએ મુખ્ય મંત્રીને આશ્રમ ખાતે આવકાર્યા હતા.
મુખ્યમંત્રીએ હિંદુ અનાથ આશ્રમમાં ગાંધી સરદાર સ્મૃતિ ભવનની ગાંધી અને સરદાર પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી વંદન કર્યા હતા.
મુખ્ય મંત્રીએ ભવનના મ્યુઝિયમની મુલાકાત લઈ ચિત્ર પ્રદર્શન નિહાળ્યું હતું. મુખ્ય મંત્રીશ્રીએ હિન્દુ અનાથ આશ્રમના ટ્રસ્ટીઓ અને સમિતિના સભ્યો સાથે આશ્રમના બાળકોના સર્વાંગી વિકાસ માટે વિચાર વિમર્શ કર્યો હતો.
આશ્રમના સૌથી નાના બાળક દ્વારા મુખ્યમંત્રીને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ બાળકનું અભિવાદન કર્યું હતું. મુખ્યમંત્રીએ આશ્રમમાં વૃક્ષારોપણ કર્યું હતું.
આ પ્રસંગે ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ,ધારાસભ્યો સર્વ પંકજભાઈ દેસાઈ, રાજેશ ઝાલા, અર્જુનસિંહ ચૌહાણ, યોગેન્દ્રસિંહ પરમાર, કલ્પેશભાઈ પરમાર, સંજયસિંહ મહિડા, નડિયાદ નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન શાહ, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી.વસાવા, નિવાસી અધિક કલેકટર ભરત જોષી, અગ્રણી અજય બ્રહ્મભટ્ટ, , આશ્રમના ટ્રસ્ટીઓ, સમિતિના સભ્યો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.