ભારતે આજે જમીનથી જમીન પર પ્રહાર કરતી બેલેસ્ટિક મિસાઈલ પ્રલયનું સફળ પરીક્ષણ કરી લીધુ છે. રક્ષા અધિકારીઓએ જણાવ્યું કે, આ પરીક્ષણ ઓડિશા તટ પર અબ્દુલ કલામ દ્વીપ પરથી કરવામાં આવ્યુ છે. આ પ્રલય મિસાઈલ DRDO દ્વારા વિકસિત કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ પરીક્ષણ સવારે 9:50 વાગ્યે કરવામાં આવ્યુ અને તેણે તેના તમામ ઉદ્દેશ્યો પૂરા કરી લીધા છે.
500 કિલો મીટરની છે મારક ક્ષમતા
ટ્રેકિંગ ઉપકરણોથી મિસાઈલની ટ્રેજેક્ટરીનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. પ્રલય મિસાઈલની રેન્જ 350-500 કિલોમીટર છે અને તે 500-1000 કિલોગ્રામ પેલોડ લઈ જવામાં સક્ષમ છે. પ્રલય મિસાઈલને LAC અને LOC પર તૈનાત કરવા માટે વિકસાવવામાં આવી છે. રક્ષા અધિકારીઓનું કહેવું છે કે, ચીનની ડોંગ ફેંગ 12 અને રશિયાની ઈસ્કેન્ડર મિસાઈલોની તુલના ભારતની પ્રલય મિસાઈલ સાથે થઈ શકે છે. યુક્રેન યુદ્ધમાં રશિયાએ ઈસ્કેન્ડર મિસાઈલનો મોટાપાયે ઉપયોગ કર્યો છે. પાકિસ્તાન પાસે પણ આ રેન્જની બેલેસ્ટિક મિસાઈલો છે.
22 ડિસેમ્બર 2021ના રોજ DRDOએ અબ્દુલ કલામ દ્વિપથી પ્રલયનું પ્રથમ પરીક્ષણ કર્યું હતું. મિસાઈલને ઉચ્ચ સ્તરની સટીકતા, માન્ય નિયંત્રણ, માર્ગદર્શન પ્રણાલી અને મિશન એલ્ગોરિદમ સાથે 400 કિમી પર નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચવા માટે અર્ધ બેલેસ્ટિક પથને ફોલો કર્યો હતો. 23 ડિસેમ્બર 2021ના રોજ DRDOએ અબ્દુલ કલામ દ્વીપથી પ્રલયનું વધુ એક પરીક્ષણ કર્યું હતું. હથિયારોની ઘાતકતા અને સટીકતાની તપાસ માટે ભારી પેલોડનો ઉપયોગ કરીને પરીક્ષણ કરવામાં આવ્યુ હતું.