ભારતીય નૌકાદળની તાકાતથી સમગ્ર દુનિયા વાકેફ છે, ત્યારે હવે દરિયાની અંદર ભારતીય નૌકાદળની તાકાતને વધુ વધારવા માટે તૈયારીઓ ચાલી રહી છે. આ માટે ભારતમાં ત્રણ સ્કોર્પીન શ્રેણી સબમરીનનું નિર્માણ કરવામાં આવશે. આ વર્ષના અંત સુધીમાં ભારતીય નૌકાદળ માટે ત્રણેય સબમરીનનું નિર્માણ કાર્ય શરૂ થઈ જશે. આ એટેક સબમરીન મઝગાંવ ડોકયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવશે. ઉપરાંત આ સબમરીનના નિર્માણમાં ફ્રેન્ચ નેવલ ગ્રુપ પણ મદદ કરી રહ્યું છે. મઝગાંવ ડોકયાર્ડમાં બનાવવામાં આવનાર સબમરીનમાં 60 ટકા જેટલી ભારતીય સામગ્રી હશે. ભારતીય નૌકાદળ પાસે પહેલાથી જ આ ક્લાસની છ સબમરીન છે. જો કે, નવી સ્કોર્પીન શ્રેણી સબમરીન કદમાં અગાઉની સબમરીન કરતા 10 મીટર લાંબી અને વધુ એડવાન્સ તેમજ વધુ શક્તિશાળી હશે.
આ સબમરીનની લંબાઈ અગાઉની સબમરીન કરતા 10 મીટર વધુ હશે.
તેના મોટા કદના કારણે તેમાં ફ્યુઅલ સેલ આધારિત એર ઈન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન મોડ્યુલ ઈન્સ્ટોલ કરી શકાય છે.
તેમાં લિથિયમ આયન બેટરી લગાવવામાં આવશે.
વધુ સારી નેવિગેશન સિસ્ટમ, કોમ્યુનિકેશન સિસ્ટમ લગાવવામાં આવશે, તે તમામ ભારતીય હશે.
સબમરીનમાં દુશ્મનના રડારને છેતરવાની શક્તિ હશે.
સબમરીન વિશાળ રેન્જ પર નજર રાખી શકે છે.
આ સબમરીન જાસૂસી પણ કરી શકે છે.
તેમાં એડવાન્સ એકોસ્ટિક સાયલન્સિંગ ટેક્નોલોજી પણ લગાવવામાં આવશે, જેથી પાણીમાં ચાલતી વખતે તે કોઈ અવાજ નહીં કરે.
BEL દ્વારા સ્વદેશી રીતે વિકસાવવામાં આવશે
નવી સબમરીનમાં ધોરણોને પૂર્ણ કરવા માટે 60 ટકા સુધી સ્વદેશી સામગ્રીનો સમાવેશ કરવો જરૂરી છે. નેવલ સ્ટાફના એક્ઝિક્યુટિવ વાઈસ ચીફ વિન્સેન્ટ માર્ટિનોટ-લેગાર્ડે જણાવ્યું હતું કે, વર્તમાન યોજના મુજબ, નવી સબમરીનની યુદ્ધ પ્રણાલીઓને ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) દ્વારા ફ્રેન્ચ ડિઝાઇનના આધારે સ્વદેશી રીતે વિકસાવવામાં આવશે. માર્ટિનોટ-લેગાર્ડે વિશ્વાસ વ્યક્ત કર્યો કે નેવલ ગ્રૂપ સાથે મળીને મઝગાંવ ડોકયાર્ડ લિમિટેડ (MDL) પ્રોજેક્ટ માટે 60 ટકા સ્વદેશી સામગ્રીના લક્ષ્યાંકને પૂર્ણ કરશે. તેમણે જણાવ્યું હતું કે ડિલિવરી સમયપત્રક અને ગુણવત્તાના ધોરણોને સંતુલિત કરીને આ સબમરીનનું નિર્માણ કરવામાં આવશે.