બોલિવૂડ સેલિબ્રિટીઝના માનીતા વેકેશન ડેસ્ટિનેશન તરીકે જાણીતા માલદીવ્સમાંથી શરૂ થયેલું હેટ કેમ્પેઈન તેને જ ભારે પડી રહ્યું છે. ભારત અને ભારતીયો અંગે માલદીવ્સના ત્રણ મિનિસ્ટર સહિત અનેકે ધૃણાસ્પદ પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટના પગલે માલદીવ્સથી દૂર રહેવાનું કેમ્પેઈન શરૂ થયું છે. અક્ષય કુમાર અને સલમાન ખાન સહિત અનેક સ્ટાર્સે માલદીવ્સના બદલે ભારતમાં વેકેશન પ્લાન કરવા કહ્યું છે. આત્મસન્માનના ભોગે માલદીવ્સ જવાના બદલે દેશના જ ટાપુઓની પસંદગી કરવાના ટ્રેન્ડમાં સેલિબ્રિટીઝ પણ હોંશભેર જોડાયા છે.
તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વિપ ટાપુઓની મુલાકાત લીધી હતી અને ફોટોગ્રાફ્સ શેર કર્યા હતા. મોદીએ ભારતીયોને વિદેશના બદલે દેશમાં જ આવેલા રમણીય ટાપુઓનો પ્રવાસ ખેડવા જણાવ્યુ હતું. ભારતીયો મોટા પ્રમાણમાં માલદીવ્સ વેકેશન માટે જતા હોય છે અને તેમના કારણે માલદીવ્સને અબજો રૂપિયાનો બિઝનેસ મળે છે. ભારતીય ટાપુઓ પર ટુરિઝમને પ્રોત્સાહન આપવા વડાપ્રધાનની અપીલ માલદીવ્સના હજારો લોકોને ગમી ન હતી. માલદીવ્સના ત્રણ મિનિસ્ટર સહિત અનેક નાગરિકોએ વડાપ્રધાન તથા ભારતીયો સામે ધૃણાસ્પદ કોમેન્ટ્સ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
માલદીવ્સના આ હેટ કેમ્પેઈન સામે હજારો ભારતીયોએ અવાજ ઊઠાવ્યો હતો અને પોતે માલદીવ્સ ટુર કેન્સલ કરી રહ્યા હોવાના દાવા કર્યા હતા. ભારતીયોના આ અવાજની સાથે બોલિવૂડે પણ સૂર પુરાવ્યા છે. અક્ષય કુમારે તાજેતરમાં પોતાના પરિવાર સાથે માલદીવ્સમાં નવું વર્ષ ઉજવ્યુ હતું. ઈન્ડિયન બીચ ટુરિઝમ સામે થયેલી કોમેન્ટને વખોડી કાઢતાં અક્ષય કુમરે એક્સ પ્લેટફોર્મ પર જણાવ્યુ હતું કે, ભારતીયો અંગે માલદીવ્સના જાણીતા લોકોએ કરેલી ધિક્કારજનક અને જાતિય ટિપ્પણીઓ વાંચી છે. સૌથી વધુ સંખ્યામાં પ્રવાસીઓ આપતાં દેશ સામેની આ ટિપ્પણી આઘાતજનક છે. આપણે પડોશીઓ પ્રત્યે સદભાવ ધરાવીએ છીએ, પરંતુ કોઈ કારણ વગર આવી નફરતને શા માટે સહન કરવી જોઈએ? મને માલદીવ્સ ગમે છે અને હું તેમની પ્રશંસા કરું છું, પરંતુ આત્મસન્માનના ભોગે માલદીવ્સ નહીં. આપણે પોતાના ટુરિઝમને સપોર્ટ કરીએ અને એક્સપ્લોર ઈન્ડિયન આઈલેન્ડ હેશટેગને સપોર્ટ કરીએ.
જોન અબ્રાહમે ભારતીયોની અતિથિ દેવો ભવ લાગણીના વખાણ કર્યા હતા અને લક્ષદ્વિપ સહિતના ભારતીય ટાપુઓ પસંદ કરવા કહ્યુ હતું. લક્ષદ્વિપના સુંદર ફોટોગ્રાફ્સ શેર કરીને એલાન કર્યુ હતું કે, આગામી ટ્રિપ માટે તે લક્ષદ્વિપ જવાની છે. આ વર્ષે આપણે ભારતીય ટાપુઓની જ પસંદગી કરીએ. કાર્તિક આર્યને ઈનક્રેડિબલ ઈન્ડિયા સ્લોગન યાદ કરાવીને એક્સપ્લોર ઈન્ડિયન આઈલેન્ડ કેમ્પેઈનને સપોર્ટ કર્યો હતો. સલમાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી અને આવા સ્વચ્છ, સુંદર બીચ લક્ષદ્વિપ પર થયેલા ફોટોશૂટના વખાણ કર્યા હતા. આવા ટાપુઓ આપણા દેશમાં જ છે અને તેને જોવા જોઈએ તેવી સલાહ સલમાને આપી હતી.
બોલિવૂડ સ્ટાર બિપાશા બાસુ હાલ માલદીવ્સમાં 45મો નજ્મદિવસ ઉજવી રહી છે ત્યારે આ વિવાદ શરૂ થયો છે. અગાઉ અક્ષય કુમાર-ટ્વિન્કલ ખન્ના, રકુલ પ્રીત સિંહ, કિયારા અડવાણી-સિદ્ધાર્થ મલહોત્રા, જાન્હવી કપૂર, દિશા પટાણી સહિત અનેક સ્ટાર્સ માલદીવ્સની મુલાકાતે જઈ આવ્યા છે. તાપસી પન્નુ અને પરિણીતી ચોપરા પણ માલદીવ્સમાં વેકેશન એન્જોય કરીને આવ્યા છે. સેલિબ્રિટીઝની સોશિયલ મીડિયા પોસ્ટ જોયા બાદ અનેક લોકો માલદીવ્સ જવાનો પ્લાન કરતા હોય છે. જો કે સેલિબ્રિટીઝે માલદીવ્સના બદલે ભારતીય ટાપુઓની પસંદગી કરવા જણાવ્યું છે ત્યારે હવે તેની કેટલી અસર થાય છે તે જોવું રહ્યું.