ગાંધીનગર, સાબરકાંઠાના હિંમતનગરના અને કપડવંજના ૯ આરોપીઓની કરતૂત બહાર આવી
કપડવંજમાં એક હનીટ્રેપનો મામલો સામે આવ્યો હતો. એક ગેંગ દ્વારા સિનિયર સિટીઝનોને ટાર્ગેટ કરી નાણાં ખંખેરવાનું ગુનાહિત કાવતરું રચવામાં આવ્યું હતું. જો કે કપડવંજ પોલીસની સતર્કતાને પગલે ગાંધીનગર, સાબરકાંઠા અને કપડવંજના ઈસમોની ગેંગ વધુ ગુનાઓ આચરે તે પહેલાં જ તેને ઝડપી પાડવામાં આવી હતી. કપડવંજમાં એક સિનિયર સિટીઝનને હનીટ્રેપમાં ફસાવી, નાણાં પડાવવા માટે એક ગેંગે ગુનાહિત કાવતરું રચ્યું હતું. ગેંગની એક મહિલાએ ફેસબુક પર પ્રિતી પટેલ નામની ફેક આઈડીથી ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. બાદમાં મહિલાએ વોટ્સઅપ ચેટીંગ તથા વોઈસ કોલ કરી એકાંત સ્થળે રુબરુ મુલાકાત ગોઠવી હતી. બાદમાં ગેંગના અન્ય સભ્યોએ ત્યાં આવી પહોંચી મહિલાના સગા તરીકે ઓળખ આપી સિનીયર સિટીઝનને મહિલા સાથે આડાસંબંધ હોવાના આક્ષેપો કર્યા હતા અને ફરિયાદ નોંધાવવાનું કહી વિડિઓ ઉતારી વાઈરલ કરી સમાજમાં બદનામ કરી દેવાની ધમકી આપી છ લાખની માંગણી કરી હતી. અપહરણ કરી બળજબરીથી ત્રણ લાખ પડાવી લઈ બાકીના ત્રણ લાખ માટે સતત માંગણી કરતા હોવાની ફરિયાદ કપડવંજ પોલીસ મથકે નોંધાવા પામી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ કપડવંજ પોલીસે ચાર ટીમો બનાવી હતી. અને કપડવંજ શહેર તથા આસપાસના ૪૦ જેટલા સીસીટીવી ફુટેજ ચેક કરી, મોબાઈલ નંબરો ટ્રેસ કરી, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલીજન્સની મદદથી ગેંગના મુખ્ય સુત્રધાર સહિત નવ ઈસમોને ઝડપી પાડયા હતાં. પોલીસે ૧.૮૭ લાખ રોકડા, બે ફોર વ્હીલર, એક જ્યુપીટર, ૧૩ મોબાઈલ ફોન કબજે લઈ વધુ પુછતાછ હાથ ધરી છે. ગેંગના મુખ્યસુત્રધાર વિરુદ્ધ ચાર ગંભીર ગુના તથા અન્ય વિરુદ્ધ પણ ગુનાહિત ઈતિહાસ હોવાનું સામે આવ્યું છે.
ખેડા, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અમદાવાદ શહેરમાં વસતા સિનિયર સિટીઝનોને ટાર્ગેટ કરતા
ખેડા, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અમદાવાદ શહેર સહિતના વિસ્તારમાં રહેતા અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય તેવા સિનીયર સિટીઝનોને ટાર્ગેટ કરતા હતાં અને હનીટ્રેપમાં ફસાવી નાણાં પડાવવાના ફિરાકમાં હતાં. પરંતુ કપડવંજ પોલીસની સતર્કતાના કારણે ગેંગ વધુ અન્ય ગુનાને અંજામ આપે તે પહેલાં પોલીસે ગેંગને ઝડપી પાડી હતી.
પોલીસે ૪૦ CCTV કેમેરા ચેક કર્યા, બાતમીદારો કામે લગાડ્યા
કપડવંજ હનીટ્રેપનો પર્દાફાશ કરવા માટે પોલીસે ૪૦થી વધારે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા અને બાતમીદારોને કામે લગાડયા હતા. આ ઉપરાંત હ્યુમન રિસોર્સ પણ કામે લગાડયા હતા અને અંતે સફળતા મળી હતી. આરોપીઓ સિનિયર સિટિઝન પારો વધુ પૈસાની માગણી કરતાં સિનિયર સિટિઝને પોલીસને સંપર્ક કર્યો હતો. આરોપીઓ ચબરાક અને ગુનાઈત ઈતિહાસ ધરાવે છે. આ ગેંગમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. પોલીસે આરોપીને પકડીને સિનિયર સિટિઝનને તો ન્યાય અપાવ્યો છે પણ આ ગેંગ અન્ય મોટી હનીટ્રેપ કરે તે પહેલાં સકંજામાં લીધી હતી. પકડાયેલી ગેંગમાં ગાંધીનગર અને સાબરકાંઠાના હિંમતનગરના શખ્સોનો પણ સમાવેશ થાય છે. પોલીસની આગાભી તપાસમાં આ ગેંગે અગાઉ અન્ય કોઈ સ્થળે હનીટ્રેપ કરી છે કે કેમ તેનો પણ પર્દાફાશ થઈ શકે તેમ છે. હાલ પોલીસે મુખ્ય સુત્રધાર સહિતની ગેંગને સકંજામાં લઈ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
પોલીસ પ્રજાની મિત્ર : ગેંગને ઝડપી પાડવા ગાડીનો કાચ તોડી નાંખતા ઈજા પહોંચી
આ ગંભીર બનાવમાં પોલીસ ખરેખર પ્રજાની મિત્ર છે તે આ બનાવમાં સાર્થક નીવડયું છે. આ ગેંગના સતત ત્રાસથી સિનિયર સિટીઝન આપઘાત કરી લેવા માંગતા હતા. ગેંગે એક વખત ત્રણ લાખ પડાવી લીધા હતા. જેથી સિનિયર સિટીઝને કપડવંજ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. બાદ ગભરાઈ ગયા હોવાથી પોલીસ કાર્યવાહી કરવા માંગતા ન હતા, પણ કપડવંજ પી.આઈ. જનકસિંહ દેવડાએ ત્રણ દિવસ સુધી સિનીયર સિટીઝનનું કાઉન્સેલીંગ કરી તેમને હિંમત અને આશ્વાસન પુરા પાડયા હતા. બાદમાં બાકીના ત્રણ લાખ માટે ગેંગે સિનિયર સિટીઝનને કપડવંજ બજારમાં બોલાવતા પી.આઈ.એ ગાડીમાં પીછો કર્યો હતો અને ગેંગને રોકવા બહાદુરીપૂર્વક ગાડીને અથડાવી રોકી લીધી હતી. પણ ગેંગના ઈસમો કાય ખોલવા તૈયાર ન હોય તેમણે બળપૂર્વક ગાડીના કાચ પર મુક્કા મારી કાચ તોડી નાંખી ઈસમોને ઝડપી લીધા હતાં.
ઝડપાયેલ ગેંગના નવ ઈસમોના નામ
દિપેશ દિલીપભાઈ ધોળુ (પટેલ)રહે કોલેજ કંપા, તા.દહેગામ, જિ.ગાંધીનગર (મુખ્ય સુત્રધાર)
ખુશ્બુ ઉર્ફે ખુશી કાળુસિંહ ચૌહાણ (રહે. સાકરોડિયા, સાબરકાંઠા) (હનીટ્રેપ કરનાર મુખ્ય મહિલા)
આલુસિંહ ભરતસિંહ મકવાણા (રહે. મોટી વડોલ, સાબરકાંઠા)
વિજયસિંહ ઉર્ફે ભયો હરીસિંહ વાઘેલા
(રહે.હિંમતનગર, સાબરકાંઠા)
અશ્વિનસિંહ વિનોદસિંહ ચૌહાણ (રહે.મોટી વડોલ, સાબરકાંઠા)
પંકજગીરી શીવગીરી ગોસ્વામી (રહે.હડિયોલ, સાબરકાંઠા)
દક્ષાબેન ઉર્ફે ટીનાબેન જગદિશગીરી
ગોસ્વામી (રહે હડિયોલ, સાબરકાંઠા)
જય હસમુખભાઈ પટેલ (રહે.દહેગામ, ગાંધીનગર)
નજીર બાલુમીયા કુરેશી (રહે,ખોબલીયા, કપડવંજ)